ભુજઃ દારૂ અને ડ્રગ્સ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના દૂષણ સામે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરીને ગાંધીધામ તેમજ મુંદરાના કાંડાગરામાંથી કુલ રૂપિયા 9.59 લાખની કિંમતના હેરોઈન સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે.
35.97 ગ્રામ હેરોઈન સાથે એક આરોપીની ધરપકડ
પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો, ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા પ્રિન્સ સુરેશનાથ બાવાજીના ઘરે દરોડો પાડી પોલીસે રૂપિયા 7,19,400 ની કિંમતનું 35.97 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. એફ.એસ.એલ.ની તપાસમાં નશીલો પદાર્થ હેરોઈન હોવાનું પુરવાર થતાં પોલીસે વજનકાંટો, મોબાઈલ અને ઓળખકાર્ડ સહિત કુલ રૂપિયા 7,75,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ માલ લાકડિયાના સાહિલ પાસેથી મેળવ્યો હોવાનું ખૂલતાં પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મુંદરા પોલીસે 12 ગ્રામ હેરોઈન ઝડપી પાડ્યું
આ સાથે બીજા બનાવની વાત કરીએ તો, મુંદરા પોલીસે મોટા કાંડાગરાની આનંદ લેબર કોલોનીમાંથી મૂળ પંજાબના સાગર મેન્યુઅલ મસિહ અને મલકીતસિંઘ ગુરબીતસિંઘને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 2,40,000ની કિંમતનું 12 ગ્રામ હેરોઈન તથા મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 2,57,800 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અમૃતસરના હેપ્પી નામના શખ્સ પાસેથી જથ્થો લાવીને અહીં છૂટકમાં વેચવામાં આવતો હોવાનો ખુલાસો થતાં પોલીસે સપ્લાયરની શોધખોળ આદરી છે.
(ઉત્સવ વૈદ્ય)