- ગિરિરાજ
કચ્છ એટલે રણ, કળા, અને ખમીરવંતી સંસ્કૃતિની ભૂમિ, પરંતુ કચ્છની સાચી ઓળખ તેના વિશાળ ચરિયાણ વિસ્તારો અને સદીઓથી પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવતા માલધારીઓ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ઉજવાઈ રહેલું ‘આંતરરાષ્ટ્રીય માલધારી અને ચરિયાણ ભૂમિ વર્ષ 2026’, કચ્છના પરંપરાગત જ્ઞાન અને પશુપાલન વ્યવસાયને ચમકાવવાની સુવર્ણ તક લઈને આવ્યું છે. આ ઉજવણી માત્ર પશુપાલકો પૂરતી સીમિત નથી, પરંતુ તે પર્યાવરણ સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્રના મજબૂતીકરણનું એક મોટું અભિયાન છે.
આંતરરાષ્ટ્રીય માલધારી વર્ષ 2026 અંતર્ગત યુનોએ સ્વીકાર્યું છે કે ભ્રમણશીલ પશુપાલન (Nomadic and Semi-nomadic Pastoralism) એ શૂન્ય કાર્બન ઉત્સર્જન ધરાવતી સૌથી ટકાઉ કૃષિ પદ્ધતિ છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી
વિશ્વભરમાં ચિંતાની લહેર છવાઈ ત્યારે યુનો જેવી વૈશ્વિક સંસ્થા દાયકા પહેલા જાહેર કરી ચુકી છે કે દેશી પશુધનને ક્રોસ બ્રીડિંગથી આમેય નુક્સાન થયું છે અને હવે વાતાવરણ વધુ ગરમ થતાં નુકસાન ઓર વધશે. તેથી સ્થાનિક દેશી ઓલાદનું જતન જ અતિ મહત્ત્વનું છે.
આ માટે યુનોએ પ્રોત્સાહન સુધ્ધાં જાહેર કર્યા અને સૌની નજર દેશી માલધારીઓ, પશુપાલકો પર પડી કારણ કે તેઓ જ અનેક મુશ્કેલીઓ વેઠીનેય દેશી ઢોરઢાંખર અને એની સદીઓ જૂની આગવી નસલ સાચવીને બેઠા હતા. આમ, ગ્લોબલ વોર્મિંગને પગલે આપણા રબારીઓનું, ભરવાડોનું અને માલધારીઓનું મહત્ત્વ વધી ગયું. દેશી નસલના ઢોરોના જતનમાં તેમની ભૂમિકા મુખ્ય બની ગઇ, પરંતુ સરકારી પ્રોત્સાહન તો માન્ય ઓલાદને જ મળે.
દેશી નસલની માન્યતા માટેની પ્રક્રિયા ઠેકઠેકાણે શરૂ થઈ. માન્યતા મેળવવી એટલે જે તે પશુની જીવનચર્યાના જરૂરી તમામ પાસાંનું દસ્તાવેજીકરણ કરીને વ્યવસ્થિત પ્રોફાઇલ તૈયાર કરી રજિસ્ટ્રેશન માટે અરજી કરવી. આ કાર્યવાહી જટિલ હોવાથી સહજીવન જેવી સંસ્થાઓ આશીર્વાદરૂપ બની અને કચ્છના પાંચ કંઢી ભેંસ, કચ્છી અને ખારાઈ ઊંટ, કચ્છી બકરી, કચ્છી - સિંધી ઘોડાને માન્યતા પ્રાપ્ત થઇ.
કચ્છના પશુપાલનનો જીવ એટલે ‘બન્ની’નું ઘાસિયા મેદાન. બન્ની એશિયાના સૌથી મોટા કુદરતી ઘાસિયા મેદાનોમાંનું એક છે, જે હજારો પશુઓ માટે કુદરતી ચરિયાણ પૂરું પાડે છે. સદીઓથી અહીંના માલધારીઓ (જેમ કે જત, રબારી અને સિંધી સમુદાયો) વૈજ્ઞાનિક પદ્ધતિથી આ મેદાનનું જતન કરતા આવ્યા છે. આ કુદરતી ઘાસિયા મેદાનો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (Climate Change) સામે લડવામાં મદદરૂપ બને છે.
કચ્છ પાસે એવી પશુ નસ્લો છે જે સમગ્ર વિશ્વમાં અનન્ય છે, પૃથ્વી પરની આ એકમાત્ર ઊંટની પ્રજાતિ છે જે દરિયાના મોજાઓ વચ્ચે 3 થી 4 કિલોમીટર સુધી તરીને ટાપુઓ પર ચરવા જાય છે. યુનો દ્વારા વર્ષ 2024ને ‘આંતરરાષ્ટ્રીય કેમેલિડ્સ વર્ષ’ (International Year of Camelids) તરીકે ઉજવવામાં આવ્યું હતું, જેના કારણે કાચ્છી ઊંટ ઉછેરક સંગઠનને વૈશ્વિક ઓળખ મળી હતી.
બન્નીની કંઢી ભેંસ તેની અદ્ભુત સહનશક્તિ અને વધુ દૂધ આપવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. તે રાત્રિના સમયે ચરવા જાય છે અને કાળઝાળ ગરમી સહન કરી શકે છે. અછત અને વિષમ હવામાનમાં પણ ટકી રહેતા કચ્છી નસ્લના ઘેટા-બકરા પણ માલધારીઓના અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેઓ માત્ર દૂધ ઉત્પાદકો નથી, પરંતુ તેઓ ‘કુદરતના સાચા રક્ષકો’ છે.
ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં, ઓછા સંસાધનો અને શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે પશુપાલન કેવી રીતે થઈ શકે, તે કચ્છના માલધારીઓ પાસેથી શીખી શકાય તેમ છે. આમ, આંતરરાષ્ટ્રીય માલધારી અને પશુપાલક વર્ષ 2026ને સૌ કચ્છવાસીઓએ ભેગા મળીને માલધારીઓનાં વર્ષોના સંઘર્ષ, તેમની લોકકળા, સૂફી સંગીત અને પશુપાલન સંસ્કૃતિને વિશ્વ સમક્ષ આદરપૂર્વક રજૂ કરવા ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ. જો કચ્છનું પશુધન અને ચરિયાણ ભૂમિ સુરક્ષિત રહેશે, તો જ કચ્છની અસ્મિતા ધબકતી રહેશે.