Mon Sep 07 2026

Logo

કચ્છનું નાનું રણ મોતની ભૂલભૂલામણી બન્યું: આડેસર પોલીસે 5 કલાકના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ 8 જીવ બચાવ્યા

2026-03-23 14:35:42
Author: Mumbai Samachar Team
કચ્છનું નાનું રણ મોતની ભૂલભૂલામણી બન્યું: આડેસર પોલીસે 5 કલાકના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ 8 જીવ બચાવ્યા

ભુજ: કચ્છના રણની ભૌગોલિક પરિસ્થિતિ અનેકવાર ભલભલા જાણકારોને પણ થાપ આપી દેતી હોય છે. આવી જ એક ઘટનામાં ગઇકાલે રાત્રે કચ્છના નાના રણમાં રસ્તો ભૂલેલા આઠ લોકો માટે આડેસર પોલીસ જીવનદાતા બનીને આવી હતી. પાંચ કલાકની ભારે જહેમત અને રઝળપાટ બાદ પોલીસે ભૂખ્યા-તરસ્યા શ્રમિકોને હેમખેમ ઉગારી લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

પ્રાપ્ત વિગતો મુજબ, પલાંસવા ગામના રહેવાસી રામ ભરવાડને ખેતીકામ માટે મજૂરોની જરૂરિયાત હોવાથી તેઓ બોલેરો જીપકાર લઈને હળવદ તરફ ગયા હતા. ત્યાંથી દાહોદ પંથકના સાત શ્રમિકોને લઈને તેઓ પરત પલાંસવા આવવા નીકળ્યા હતા. હળવદથી ટીકર થઈને કચ્છના નાના રણના ટૂંકા રસ્તે પસાર થતી વખતે અનુભવી એવા રામ ભરવાડ પણ રણની ભૂલભૂલામણીમાં રસ્તો ભટકી ગયા હતા. ચારેબાજુ રણ હોવાથી અને રાત્રિનો સમય હોવાથી માર્ગ શોધવો અશક્ય બન્યો હતો.

રણમાં અટવાયેલા રામ ભરવાડે ગભરાયા વગર પોતાના કી-પેડ મોબાઈલ વડે ગામના એક મિત્રનો સંપર્ક સાધ્યો હતો. મિત્રએ તુરંત આડેસર પોલીસને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આડેસર પી.આઈ. વી. એ. સેંગલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટુકડીએ તાત્કાલિક એક્શન લીધા હતા. રાત્રિના સમયે રણમાં ફસાયેલા લોકો તરસ અને ભૂખથી બેહાલ ન થાય તે માટે પોલીસે પોતાની સાથે પાણીના કેન, સૂકો નાસ્તો અને ગામલોકોના ટ્રેક્ટરો સાથે કાફલો રણમાં ઉતાર્યો હતો.

શોધખોળ દરમિયાન એક તબક્કે પોલીસની વાન પણ રણની રેતીમાં ફસાઈ ગઈ હતી, પરંતુ હિંમત હાર્યા વગર ગામલોકો અને ટ્રેક્ટરની મદદથી વાનને બહાર કાઢી સર્ચ ઓપરેશન ચાલુ રખાયું હતું. સતત પાંચ કલાકની શોધખોળ બાદ મધરાતે આઠેય વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે તેમને સ્થળ પર જ પાણી અને નાસ્તો કરાવી ધરપત આપી હતી. વહેલી સવારે તમામ આઠેય લોકોને સુરક્ષિત રીતે રણની બહાર કાઢવામાં આવતા શ્રમિકોના પરિવારજનો અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. 

(ઉત્સવ વૈદ્ય)