Sat Sep 05 2026

Logo

કેન્દ્ર સરકારની કચ્છને મોટી ભેટ: ₹650 કરોડના ખર્ચે ધોળાવીરા-હાજીપીર હાઈવેનું થશે નવસર્જન!

2026-03-10 11:00:00
Author: Devayat Khatana
કેન્દ્ર સરકારની કચ્છને મોટી ભેટ: ₹650 કરોડના ખર્ચે ધોળાવીરા-હાજીપીર હાઈવેનું થશે નવસર્જન!

ભુજ: કચ્છવાસીઓ માટે કેન્દ્ર સરકારે એક મોટી ભેટ આપી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા કચ્છના વિકાસ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત, કચ્છ જિલ્લામાં નેશનલ હાઈવે-754K પર લખપત-ગડુલી-ઝારા-હાજીપીર-ખાવડા-કંદવાન-ધોળાવીરા સેક્શનને પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આશરે 165.58 કિલોમીટર લાંબા આ હાઈવે પ્રોજેક્ટ પાછળ કુલ 650.42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે સરહદી વિસ્તારની કનેક્ટિવિટીમાં મોટો બદલાવ લાવશે.

આ પ્રોજેક્ટ સાકાર થવાથી કચ્છના અંતરિયાળ વિસ્તારોની ગુજરાતના અન્ય ભાગો સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. કચ્છમાં દર વર્ષે રણોત્સવ સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાઓ યોજાય છે, જેના માટે આ કોરિડોર અત્યંત મહત્વનો સાબિત થશે. પ્રવાસન ઉપરાંત, આ હાઈવે કચ્છના મુખ્ય ખનીજ અને મીઠા ઉદ્યોગો માટે માલસામાનની હેરફેરને ઝડપી અને સરળ બનાવશે, જે સીધી રીતે પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિમાં આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ વધુ છે, જે મુસાફરો માટે જોખમી છે. આ રોડને 2-લેનમાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે અને માર્ગ સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે. આ આધુનિકીકરણને કારણે વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને ઇંધણની બચત સાથે મુસાફરો સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ રીતે અવરજવર કરી શકશે.