Thu Sep 17 2026

Logo

મુંદ્રા કસ્ટોડિયલ ડેથ કેસ: બે ફરજમોકૂફ પોલીસ કર્મીઓની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી

2026-03-21 14:16:00
Author: Mumbai Samachar Team
મુંદ્રા કસ્ટોડિયલ ડેથ કેસ: બે ફરજમોકૂફ પોલીસ કર્મીઓની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી

ભુજ: કચ્છના મુંદ્રા પોલીસ મથકમાં જાન્યુઆરી 2021માં બનેલી અત્યંત ચર્ચિત કસ્ટોડિયલ ડેથની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપી પોલીસ કર્મચારીઓની ટૂંકાગાળાના જામીન મેળવવાની અરજીઓને અદાલતે ફગાવી દીધી છે. અધિક સેશન્સ જજની અદાલતે ગુનાની ગંભીરતા અને આરોપીઓની સક્રિય ભૂમિકાને ધ્યાને રાખીને તેમને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

કેસની વિગતો મુજબ, આ કેસના આરોપી અને હાલ ફરજમોકૂફ પોલીસ કર્મચારી અશોક લીલાધર કનોદ અને ગફુરજી પીરાજી ઠાકોર દ્વારા અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે માતાની બીમારી તેમજ પરિવારમાં લગ્ન જેવાં અલગ-અલગ કારણોસર ટૂંકાગાળાના જામીનની માંગણી કરી હતી. જોકે, નામદાર અદાલત સમક્ષ થયેલી સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કેસ હવે નિર્ણાયક તબક્કે હોવાથી અદાલતે જામીન આપવા ઉચિત માન્યું નહોતું.

આ મહત્વપૂર્ણ સુનાવણીમાં ખાસ નિયુક્ત ધારાશાત્રી રાજકોટના અનિલભાઈ આર. દેસાઈ તેમજ ફરિયાદ પક્ષ વતી વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વાય. વી. વોરા, એ.એન. મહેતા, એચ. કે. ગઢવી અને એસ. એસ. ગઢવી સહિત ભુજના ગઢવી ચારણ સમાજના તમામ અગ્રણી ધારાશાત્રીઓએ પીડિત પક્ષ વતી મજબૂત કાયદાકીય લડત આપી હતી.

શું હતી સમગ્ર ઘટના?
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૧માં મુંદ્રા પોલીસે ઘરફોડ ચોરીની શંકાના આધારે ત્રણ ગઢવી યુવકોની અટકાયત કરી હતી. આરોપ છે કે પોલીસ મથકમાં આ યુવકો પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, જેના પરિણામે બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પઢિયાર સહિત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પોલીસ કર્મચારીઓ અને ગ્રામ રક્ષક દળના જવાનોનો પણ સમાવેશ થાય છે.

(ઉત્સવ વૈદ્ય)