Fri Jun 19 2026

Logo

કચ્છમાં ૧૫ હજાર ડ્રોપ-આઉટ વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવા મેગા અભિયાનનો પ્રારંભ

2026-06-09 10:47:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


ભુજઃ સરહદી કચ્છમાં એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે અને શાળા છોડી જનારા બાળકોનો રેશિયો શૂન્ય થાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા મિશન મોડ પર એક મેગા કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આગામી ૧૮, ૧૯ અને ૨૦ જૂનના રોજ યોજાનારા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ પૂર્વે, શિક્ષણ પ્રવાહમાંથી બહાર ફેંકાઈ ગયેલા આશરે ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી વર્ગખંડ સુધી લાવવા માટેનો એક્શન પ્લાન જાહેર કરાયો છે.

જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન ગત ૧ થી ૨૫ મે સુધી સર્વ શિક્ષા અભિયાન અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ મારફતે ધોરણ ૧ થી ૧૨ના ૩૨,૭૭૨ વિદ્યાર્થીઓનો ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના ચોંકાવનારા આંકડા મુજબ, ૪,૬૬૧ વિદ્યાર્થીઓએ પુનઃ પ્રવેશની ખાતરી આપી છે અને આશરે ૫,૦૦૦ જેટલા બાળકોએ અન્યત્ર પ્રવેશ મેળવી લીધો છે. પરંતુ, હજુ પણ ૧૫,૨૫૨ જેટલા વિદ્યાર્થીઓ એવા સામે આવ્યા છે જેમણે ભણવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અથવા તેઓ તંત્રના સંપર્ક વિહોણા છે. આ તમામ બાળકોને શાળાના દ્વાર સુધી લાવવા માટે તંત્ર આજથી સક્રિય બન્યું છે. જો આ બાળકો નિયમિત શાળાએ નહીં આવી શકે તો તેમને 'ઓપન સ્કૂલ' મારફતે અભ્યાસની તક અપાશે.

વાલીઓને મનાવવા ચાર તબક્કાના 'ડોર-ટુ-ડોર' માસ્ટર પ્લાન મુજબ, પ્રથમ તબક્કામાં (૯ અને ૧૦ જૂન) દરમ્યાન શાળાના વર્ગ શિક્ષકો રૂબરૂ જઈને સંપર્ક વિહોણા અને અભ્યાસની ના પાડતા બાળકોના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રવેશ માટે રાજી કરશે. બીજા તબક્કામાં  (૧૫ અને ૧૬ જૂન)માં શિક્ષક, આચાર્ય અને એસએમસીના પ્રમુખ સહિતની ત્રણ સભ્યોની ટીમ વાલીઓના ઘરે જશે.ત્રીજા તબક્કામાં તબક્કો (૧૮ થી ૨૦ જૂન)માં શાળા પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીઓ, સચિવો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સીધા આવા વાલીઓના ઘરે જઈને પરામર્શ કરશે જયારે ચોથા તબક્કામાં કચ્છ મહિલા વિકાસ સંગઠન, રાપરની 'ઈશાર' સંસ્થા, વિદ્યા મંદિર પ્રોજેક્ટ અને આ વર્ષે પ્રથમવાર યુનિસેફ જેવી વૈશ્વિક સંસ્થાની મદદથી ડ્રોપ-આઉટ બાળકોને ટ્રેક કરાશે.

અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ દરમ્યાન,પાછળ વાહનવ્યવહારનો અભાવ મુખ્ય કારણ હોઈ, સરકારે આ વર્ષે શાળાઓ ખૂલવાના પ્રથમ દિવસે જ મંજૂર થયેલી દરખાસ્તોના આધારે સહાયની રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરી દીધી છે. આ યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ ના બાળકોને (૧ કિ.મીથી વધુ અંતર માટે) માસિક રૂા. ૬૦૦, ધોરણ ૬ થી ૮ માટે (૩ કિ.મીથી વધુ અંતર માટે) માસિક રૂા. ૬૦૦ અને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને (૫ કિ.મીથી વધુ અંતર માટે) દર મહિને રૂા. ૧,૦૦૦ની ટ્રાન્સપોર્ટ સહાય ચૂકવવામાં આવી રહી છે. આ ઉપરાંત એસ.ટી નિગમ સાથે સંકલન સાધીને શાળાના સમય મુજબ નવા બસ રૂટ અને સ્ટોપેજ પણ શરૂ કરાશે. ગામડાઓમાં માત્ર ૮ ધોરણ સુધીની જ શાળા હોવાના કારણે સામાજિક રૂઢિચુસ્તતાને લીધે ખાસ કરીને દીકરીઓનો અભ્યાસ છૂટી જતો હતો. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાતમાં સૌપ્રથમવાર કચ્છ જિલ્લામાં ૩૮ 'ઇન્ટિગ્રેટેડ શાળા' શરૂ કરવાની મંજૂરી અપાઈ છે, જેમાં પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ ધોરણ ૯ ના વર્ગો શરૂ કરાશે અને તબક્કાવાર ધોરણ ૧૨ સુધીનો વિસ્તાર કરાશે જેથી બાળકોને ગામની બહાર ન જવું પડે. ચાલુ વર્ષે આવી વધુ ૧૧ સરકારી હાઈસ્કૂલો પણ કાર્યરત કરાઈ છે.

જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, "અમારો એક જ સંકલ્પ છે કે કચ્છનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વાલીઓને નમ્ર અપીલ છે કે તેઓ બાળકોને ભણાવવામાં આર્થિક કે સામાજિક સંકોચ ન રાખે, સરકાર તેમના પરિવહનથી લઈ મફત શિક્ષણ સુધીની તમામ જવાબદારી ઉઠાવવા માટે કટિબદ્ધ છે."

(ઉત્સવ વૈદ્ય)