Thu Aug 20 2026

Logo

ભચાઉમાં લગ્નના નામે લાખોની છેતરપિંડી, લૂંટેરી દુલ્હન સહિત એક મહિલા સામે નોંધાઈ ફરિયાદ

2026-04-03 17:48:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ કચ્છના ભચાઉ તાલુકાના આમરડી ગામે રહેતા એક યુવાન સાથે લગ્ન કરી રોકડ રકમ અને દસ્તાવેજોમાં છેતરપિંડી કરનારી 'લૂંટારુ દુલ્હન' ફરાર થઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે લૂંટેરી દુલ્હન સહિત તેની સાગરીત મહિલા વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ અન્ય એક યુવાન સાથે ખોટા નામે લગ્ન કરી લાખો રૂપિયા પડાવનાર આ ટોળકીએ ફરી એકવાર લગ્નનો સ્વાંગ રચી ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે. 

લગ્ન માટે કન્યા પક્ષે રૂપિયા બે લાખની માંગણી કરી

મળતી વિગતો વિગતો પ્રમાણે, આમરડીમાં કરિયાણાની દુકાન ધરાવતા ભરતભાઈ પિંતાબરભાઈ લુહારે પોતાના પુત્ર મનીષ માટે કન્યાની શોધમાં હતા. આ દરમિયાન આરોપી સોનલ ઉર્ફે સોનિયા રમેશ પટેલ અને ગંગાબેન રમેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. લગ્ન નક્કી કરવાના બદલામાં કન્યા પક્ષે રૂપિયા બે લાખની માંગણી કરી હતી. સહમતી મુજબ, ફરિયાદીએ પ્રથમ કપડાં લેવા માટે રૂપિયા 15 હજાર અને ત્યારબાદ લગ્ન સંપન્ન થયા બાદ બાકીના રૂપિયા 1.85 લાખ રોકડા ચૂકવી આપ્યા હતા.

નામ બદલીને આ યુવતી લગ્ન કરતી હોવાનો ખુલાસો

લગ્ન બાદ ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે, પુત્ર સાથે લગ્ન કરનારી સોનલ ઉર્ફે સોનિયાએ અગાઉ ચોપડવા ગામના મહેશ મોહન પરમાર સાથે પણ લગ્ન કર્યા હતા. તે સમયે તેણે પોતાનું નામ 'નિશાબેન કરન કાલિયા' તરીકે ઓળખાવી ખોટા આધારકાર્ડ રજૂ કર્યા હતા અને તે યુવક પાસેથી પણ રૂપિયા 2.10 લાખ પડાવ્યા હતા. આ જ ટોળકીએ સમાન પદ્ધતિથી ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી, ગુનાહિત કાવતરું રચી ભરતભાઈના પુત્ર સાથે લગ્નનો ઢોંગ કરી નાણાકીય છેતરપિંડી આચરી હતી.

બે મહિલાઓ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી

આ સમગ્ર મામલે ભચાઉ પોલીસે ભરતભાઈ લુહારની ફરિયાદના આધારે સોનલ ઉર્ફે સોનિયા પટેલ અને ગંગાબેન પટેલ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવ્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય કેટલા યુવાનોને જાળમાં સપડાવ્યા છે તે જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)