માંડવી: કચ્છના માંડવીમાં બનેલી લાખોની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળતા મેળવી છે. વોહરા હજીરા વિસ્તારમાં થયેલી રૂપિયા 6.30 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં માંડવી પોલીસે ફરિયાદીના જ કૌટુંબિક ભત્રીજા અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે.
શૈફુદિન લોખંડવાલાના ઘરે આ ચોરીની ઘટના બની
ગત તા. 6 માર્ચના રોજ માંડવીમાં વોહરા હજીરા પાછળ રહેતા હુસેન શૈફુદિન લોખંડવાલાના ઘરે આ ચોરીની ઘટના બની હતી. જ્યારે પરિવારના સભ્યો નમાજ અદા કરવા માટે ગયા હતા, ત્યારે લાભ લઈ આરોપીઓએ કબાટમાંથી લાખોના ઘરેણાં ચોરી લીધાં હતા. ફરિયાદીની માતા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે કબાટના લોકમાં પીન ભરાયેલી જોઈ કોઈ જાણભેદુ હોવાની શંકા ગઈ હતી.
હર્ષ જગદીશ ભાનુશાલીની અટકાયત કરી સઘન પૂછપરછ
માંડવી પોલીસ મથકના પી.આઈ. ચેતક બારોટ અને તેમની ટુકડીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. શંકાના આધારે પોલીસે હાતિમ અલી અસગર લોખંડવાલા (ફરિયાદીના કાકાઈ ભત્રીજાનો પુત્ર) અને હર્ષ જગદીશ ભાનુશાલીની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ સત્ય બહાર આવ્યું હતું.
અંદાજે રૂ. 6.30 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી
આ આરોપીઓએ કબાટમાંથી સોનાની 4 બંગડીઓ અને 32 વીંટીઓ,સોનાની ચેઈન, પેન્ડન્ટ અને 4 જોડી બુટ્ટી,સોનાનો ઢાળ ચડેલો અકીકનો પથ્થર,ચાંદીની વીંટીઓ, ઘૂઘરા અને સિક્કાઓ સહીત અંદાજે રૂ. 6.30 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવા અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેની ઊંડી તપાસ કરવા માટે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.