Wed Jun 17 2026

Logo

કચ્છ: રૂ. 4 કરોડનો દારૂ પકડાયા બાદ મોટી કાર્યવાહી, પદ્ધર પોલીસ મથકના 5 પોલીસકર્મી સસ્પેન્ડ

2026-02-21 15:19:12
Author: Mayur Patel
Article Image

ભુજઃ  કચ્છ જિલ્લામાં નશાખોરીનું દુષણ સતત વ્યાપક બની રહ્યું છે તેવામાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને ભુજ તાલુકાના ધાણેટી-વડવાલા ગામના સીમાડે ત્રાટકેલી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ ચાર કરોડથી વધુની કિંમતના દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.  જે  બાદ પદ્ધર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર, ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ  ઇન્સ્પેકટર તથા અન્ય ત્રણ કર્મચારીઓને  શિક્ષાત્મક પગલાં સ્વરૂપે તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા હતા, જ્યારે પદ્ધરના ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી અને સ્થાનિક ગુન્હાશોધક શાખાના પી.આઈ તથા પી.એસ.આઈને લીવ રીઝર્વમાં મૂકી  દેવામાં આવતાં પોલીસ બેડાંમાં ચકચાર મચી ગઈ હતી.

નોંધનીય છે કે, ગુજરાતના પોલીસવડા  કચ્છની ખાસ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એસએમસીએ પદ્ધર પોલીસ મથકની હદમાં આવતા વડવાળામાં દરોડો પાડી રૂા. ૪ કરોડથી વધુની કિંમતના શરાબનો વિક્રમી જથ્થો તેમજ એકાદ કરોડના છ જેટલાં શરાબની હેરફેરમાં વપરાતાં વાહનો સાથે બે શખ્સને ઝડપી પાડયા હતા અને ૨૦ નામચીન લિસ્ટેડ બુટલેગરોને ફરાર જાહેર કર્યા હતા. 

આ કાર્યવાહી બાદ દારૂના ધંધાર્થીઓ પ્રત્યે નબળી સાબિત થયેલી સ્થાનિક પોલીસ પર કોરડો વીંઝાશે તેવી જોવાઈ  રહેલી શક્યતા સાચી સાબિત થઇ હોય તેમ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા પદ્ધર પી.આઈ એ.જી. પરમાર, ઈન્ચાર્જ પી.આઈ કમ પી.એસ.આઈ વાય. એસ. ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમને ઘર ભેગા કરી દીધા હતા. આ ઉપરાંત સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ મહેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઈ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ નીલેશ પૂનમાભાઈને પણ ફરજ મોકૂફ કરાયા હતા. જ્યારે પદ્ધર પોલીસ મથકના ડી-સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં, તો સ્થાનિક ગુનાશોધક શાખાના પીઆઈ એ. એમ. મકવાણા અને પી.એસ.આઈ જે. બી. જાદવની લીવ રીઝર્વમાં બદલીના આદેશ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)