ભુજઃ કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી 'લકી ક્રીક સમુદ્રી સીમા દર્શન'ની બોટ રાઈડ શુક્રવારથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવી છે. હવામાનમાં આવેલા બદલાવને કારણે અરબ સાગર અત્યંત રફ બનતાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓપરેટરો દ્વારા આ નિર્ણય લેવાયો છે.
લકી ક્રીક વિસ્તારમાં બોટ મારફતે પ્રવાસીઓને દરિયાઈ સીમાની સફર કરાવવામાં આવે છે. વેકેશન અને જાહેર રજાઓના દિવસોમાં આ રાઈડના દિવસ દરમિયાન ૧૩ થી ૧૪ ફેરા થતા હતા. આ સ્થળે પાકો રોડ બની જતાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ચાલુ સીઝનમાં અહીં માત્ર એક જ બોટ કાર્યરત હોવાથી, મુલાકાતે આવેલા પ્રવાસીઓએ માંગ કરી છે કે આગામી સમયમાં અહીં વધુ ૧-૨ બોટ વધારવામાં આવે, જેથી મોટા ગ્રુપમાં આવતા લોકો એકસાથે બોટ રાઈડનો આનંદ માણી શકે. હવે આ બોટ રાઈડ આગામી ૧૫ ઓગસ્ટ બાદ જ પુનઃ શરૂ થવાની સંભાવના છે.
બીજી તરફ, દરિયામાં ચોમાસાની સીઝન અને માછલીઓના સંવર્ધનકાળને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર પણ સતર્ક બન્યું છે. કચ્છના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી એટલે કે કુલ ૭૬ દિવસ માટે અરબ સાગરમાં એન્જિનવાળી બોટોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ દરમિયાન દરિયામાં એન્જિનવાળી બોટ દ્વારા માછીમારી કરી શકાશે નહીં. જો કે, આ સમયગાળા દરમિયાન માત્ર બોટ વગર કિનારા પર માછીમારી કરનારાઓને જ દરિયાકાંઠે માછીમારી કરવાની છૂટ રહેશે. દરિયાની વર્તમાન સ્થિતિ અને વહીવટી તંત્રના આદેશોને પગલે પ્રવાસીઓ તેમજ માછીમારોને દરિયાથી દૂર રહેવા અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)