ભુજઃ કચ્છ જિલ્લામાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અવારનવાર સામે આવતી રહે છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત ખતરનાક આતંકી સંગઠન ISISની કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરવા અને યુવાનોને જિહાદ માટે ઉશ્કેરવા બદલ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક શખસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી વિગતો મુજબ, પશ્ચિમ કચ્છ એસઓજીને બાતમી મળી હતી કે, લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપી છેલ્લા ચાર વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તેવું કન્ટેન્ટ પીરસી રહ્યો હતો. તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદના નામે એકઠા થવા માટે ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતો હતો.
આ ગંભીર મામલે પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા પધ્ધર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આરોપીના ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે. મુખ્યત્વે એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે કે આ શખસ કોઈ વિદેશી હેન્ડલર્સ કે અન્ય આતંકી નેટવર્કના સીધા સંપર્કમાં હતો કે કેમ.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે ગુજરાત ત્રાસવાદ વિરોધી દળે અમદાવાદથી 'ગઝવા-એ-હિંદ' સ્થાપવાના નાપાક મનસૂબા સાથે હુમલાની તૈયારી કરતા બે શખસોની ધરપકડ કરી હતી. સિદ્ધપુરના ઇરફાન પઠાણ અને મુંબઈના મુરશીદ દ્વારા સંચાલિત વોટ્સએપ ગ્રુપોના તાર પણ આ પ્રકારની કટ્ટર માનસિકતા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે કચ્છમાં ઝડપાયેલા આ શખસના કોઈ તાર તે નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.
દરમ્યાન, પશ્ચિમ કચ્છ પોલીસ હાલ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ રાષ્ટ્રવિરોધી કે ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવી નહીં. આવી પ્રવૃત્તિમાં સામેલ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(ઉત્સવ વૈદ્ય)