Tue Sep 15 2026

Logo

કચ્છ સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અનેક બેઠકો બિનહરીફ, મતગણતરીમાં ભાજપની મજબૂત સરસાઈ

2026-04-28 12:20:00
Author: Mumbai Samachar Team
કચ્છ સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અનેક બેઠકો બિનહરીફ, મતગણતરીમાં ભાજપની મજબૂત સરસાઈ

ભુજ: કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ના બપોરના બાર વાગ્યા સુધીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જાળવી રાખી હોય તેવું હાલ લાગી રહ્યું છે. અત્યાર સુધી જાહેર થયેલા આંકડાઓ મુજબ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ સરસાઈ મેળવી છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માત્ર ગણતરીની બેઠકો પર સીમિત રહ્યા છે.

નવનિર્મિત ગાંધીધામ મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકો પૈકી ૧૨ બેઠકોના પરિણામ જાહેર થયા છે, જે તમામ પર ભાજપે કબ્જો જમાવ્યો છે. મુંદરા બારોઈ નગરપાલિકામાં ભાજપે ૨૮ માંથી ૧૯ બેઠકો જીતી બહુમતી હાંસલ કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે ૯ બેઠકો ગઈ છે. ભુજ નગરપાલિકામાં ૧૯ બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે ૧૧, કોંગ્રેસે ૫ અને અપક્ષોએ ૩ બેઠકો પર જીત મેળવી છે. માંડવી અને નખત્રાણા નગરપાલિકામાં પણ ૪-૪ બેઠકો સાથે ભાજપ આગળ રહ્યું છે. નોંધનીય છે કે ભુજમાં ૬ અને અંજારમાં ૭ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.જિલ્લા પંચાયતની કુલ ૩૮ બેઠકો પૈકી અત્યાર સુધી જાહેર થયેલી ૮ બેઠકોમાં ૭ પર ભાજપ અને ૧ પર કોંગ્રેસનો વિજય થયો છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો,

અબડાસા, અંજાર અને ભચાઉ તાલુકાઓમાં ભાજપે નોંધપાત્ર સરસાઈ મેળવી છે. ભચાઉમાં ૬ બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને ૩ બેઠકો બિનહરીફ થઈ છે. ભુજ તાલુકા પંચાયતમાં ભારે રસાકસી જોવા મળી છે, જ્યાં કોંગ્રેસે ૩ બેઠકો મેળવી ભાજપની ૨ બેઠકો સામે થોડી મજબૂતી બતાવી છે. સીમાવર્તી રાપર તાલુકા પંચાયતમાં ભાજપે ૪ બેઠકો જીતી છે, જ્યારે અહીં આમ આદમી પાર્ટીએ પણ ૧ બેઠક સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે.

ચૂંટણી પરિણામોમાં સૌથી નોંધપાત્ર બાબત બિનહરીફ વિજેતાઓની રહી છે. જિલ્લાભરમાં વિવિધ સંસ્થાઓમાં થઈને અનેક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં અંજાર નગરપાલિકા (૭ બેઠકો) અને ભુજ નગરપાલિકા (૬ બેઠકો) મોખરે છે. હજુ પણ કેટલીક બેઠકો પર મતગણતરી ચાલુ હોવાથી અંતિમ ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલના વલણો જોતા કચ્છમાં ફરી એકવાર ભાજપનું શાસન નિશ્ચિત જણાઈ રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)