Tue Oct 06 2026

Logo

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ: ૯ હજાર નવા ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ

2026-04-06 13:05:00
Author: Mumbai samachar Team
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ: ૯ હજાર નવા ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ

ભુજ:  કચ્છ સહિત ગુજરાતમાં ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આડે હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે જૂના મશીનોના સ્થાને બેંગ્લોરની કંપની દ્વારા ઉત્પાદિત ૯,૦૦૦ જેટલા નવા નક્કોર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં આ મશીનોની સુરક્ષા અને કાર્યક્ષમતા ચકાસવા માટે 'ફર્સ્ટ લેવલ ચેકિંગ'ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. નોંધનીય છે કે, ચૂંટણી પૂર્વે અથવા જ્યારે નવા મશીનો પ્રાપ્ત થાય ત્યારે તેની ટેકનિકલ શુદ્ધતા ચકાસવા માટે ફર્સ્ટ લેવલ ચેકિંગ' કરવું અનિવાર્ય હોય છે. આ એક અત્યંત જટિલ અને સુરક્ષિત પ્રક્રિયા છે, જેમાં એન્જિનિયરોની વિશેષ ટીમ દ્વારા મશીનની ભૌતિક સ્થિતિ, સ્વીચોની કાર્યક્ષમતા અને વાયરિંગની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે.

તપાસ દરમિયાન કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ વચ્ચેના જોડાણની ખરાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત, દરેક મશીનમાં વિવિધ ઉમેદવારોના બટન પર 'મોક પોલ' એટલે કે નકલી મતદાન કરીને મતના સચોટ રેકોર્ડિંગની ખાતરી કરવામાં આવે છે. પારદર્શિતા જાળવી રાખવા માટે આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં હાથ ધરવામાં આવે છે. ચેકિંગ પૂર્ણ થયા બાદ, મશીનોને 'પિંક પેપર સીલ' થી સુરક્ષિત કરવામાં આવે છે, જેથી તેની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડની શક્યતા ન રહે. 

ફર્સ્ટ લેવલ ચેકીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જરૂરિયાત મુજબ આ મશીનોને તાલુકા મથકો પર મોકલાશે અને મતદાનના એક દિવસ પૂર્વે તેને નિર્ધારિત બૂથ સુધી પહોંચાડવામાં આવશે. કચ્છના વિશાળ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોજિસ્ટિક્સનું ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. મેજિસ્ટ્રેટની સીધી દેખરેખ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ મશીનોનું વહન કરવામાં આવશે. સાત દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયા બાદ કચ્છ જિલ્લો ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ થઈ જશે. 

(ઉત્સવ વૈદ્ય)