Mon Oct 05 2026

Logo

નારાયણ સરોવર નજીક સથવારા બેટ પરથી બીએસએફને બિનવારસ ચરસના ૧૦ પેકેટ મળ્યાં

2026-06-04 14:10:00
Author: Mumbai Samachar Team
નારાયણ સરોવર નજીક સથવારા બેટ પરથી બીએસએફને બિનવારસ ચરસના ૧૦ પેકેટ મળ્યાં

ભુજઃ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડીને આવેલા કચ્છના લખપત તાલુકાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાંથી ફરી એકવાર બિનવારસ હાલતમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક નારાયણ સરોવર પાસે આવેલા સથવારા બેટ પરથી સીમા સુરક્ષા દળના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ચરસના ૧૦ પેકેટો બિનવારસ હાલતમાં કબજે કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ચરસના જથ્થાની કિંમત કરોડો રૂપિયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

મળતી સત્તાવાર માહિતી મુજબ, સરહદની સુરક્ષા માટે તૈનાત બીએસએફની પેટ્રોલિંગ ટુકડી દરિયાઈ તટીય વિસ્તાર અને ક્રિક મધ્યે નિયમિત કોમ્બિંગ પર હતી. આ દરમિયાન સથવારા બેટના નિર્જન વિસ્તારમાં જવાનોને કેટલાક શંકાસ્પદ પેકેટો લાવારીસ હાલતમાં પડેલા નજરે પડ્યા હતા. જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને આ જથ્થો તપાસ અર્થે કબજે લીધો હતો, જે પ્રાથમિક ચકાસણીમાં ઉચ્ચ ગુણવત્તાનું ચરસ હોવાનું ખૂલ્યું હતું. 

પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે સ્મગલરો દ્વારા આ જથ્થો ભારતીય સીમામાં ધકેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે મરીન ટાસ્ક ફોર્સ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ સઘન સર્ચ ઓપરેશન તેજ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)