Sun Sep 06 2026

Logo

જખૌ બંદરે 15મી ઓગસ્ટથી માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ, બંદર પર ધમધમાટ શરૂ

2026-08-13 13:45:00
Author: Vimal Prajapati
જખૌ બંદરે 15મી ઓગસ્ટથી માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ, બંદર પર ધમધમાટ શરૂ

ભુજઃ કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા અને સમગ્ર રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતા જખૌ બંદર પર આગામી 15મી ઓગસ્ટથી માછીમારીની નવી મોસમનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીઝનની શરૂઆતને ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોઈ હાલ બંદર પર ભારે ચહલપહલ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સીઝનની શરૂઆતને ગણતરીના દિવસો જ બાકી

નવી મોસમને આવકારવા માટે જામનગર, જામ સલાયા, પોરબંદર, વેરાવળ અને ઉના સહિત રાજ્યના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માછીમારો અને બોટ માલિકો પોતાની કર્મભૂમિ એવા જખૌ બંદર ખાતે આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન સુરક્ષા અને જાળવણી અર્થે જે બોટોને જેટી ઉપર જમીન પર લાંગરવામાં આવી હતી, તેને હવે સીઝન શરૂ થતાં પૂર્વતૈયારીના ભાગરૂપે મહાકાય ક્રેન મારફતે પુનઃ દરિયાના પાણીમાં પધરાવવામાં આવી રહી છે. જેને પગલે બંદર પર શ્રમિકો અને મશીનરીનો ધમધમાટ સતત જોવા મળી રહ્યો છે.

15મી ઓગસ્ટથી માછીમારીની મોસમનો સત્તાવાર પ્રારંભ

આ અંગે વિગતો આપતાં જખૌ માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટથી માછીમારીની મોસમનો સત્તાવાર પ્રારંભ થશે. તેના અનુસંધાને હાલ સાગરપુત્રો પોતાની બોટોને દરિયામાં ઉતારવા સહિતની આખરી તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. આગામી દિવસોમાં અહીં માનવ મહેરામણની ચહલપહલ વરતાશે. સીઝન પૂર્ણ બારમાસી રંગ પકડશે ત્યારે અહીં 20થી 22 હજાર જેટલા લોકોની ઉપસ્થિતિ સાથે આખું બંદર સાગરપુત્રોના વિશાળ મેળાવડામાં ફેરવાઈ જશે.

(ઉત્સવ વૈદ્ય)