Mon Sep 07 2026

Logo

કચ્છમાં પ્રતિબંધિત 'ગ્લુ ટ્રેપ'નું વેચાણ કરનાર સામે કાયદાનો ગાળિયો, વહીવટી તંત્રનું સઘન ચેકિંગ

2026-07-19 17:15:11
Author: Devayat Khatana
કચ્છમાં પ્રતિબંધિત 'ગ્લુ ટ્રેપ'નું વેચાણ કરનાર સામે કાયદાનો ગાળિયો, વહીવટી તંત્રનું સઘન ચેકિંગ

ભુજ: સમગ્ર ગુજરાતમાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કાયદાકીય પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આ પ્રતિબંધનો કડક અમલ કરાવવા માટે હવે સરહદી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.  જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પશુપાલન અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે જિલ્લાભરમાં એક સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના મુખ્ય મથક ભુજ, ગાંધીધામ, અંજાર, મુંદરા, રાપર, નખત્રાણા અને ભચાઉ સહિતના તાલુકાઓમાં આવેલી મેડિકલ સ્ટોર્સ, જંતુનાશક દવાઓની દુકાનો તેમજ જથ્થાબંધ કરિયાણાની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપના કારણે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓ અત્યંત દર્દનાક રીતે તરફડીને મૃત્યુ પામે છે, જે પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગંભીર ગુનો બને છે. તંત્ર દ્વારા તપાસ દરમિયાન વેપારીઓ અને નાગરિકોમાં આ અંગે કાનૂની જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે. જો કોઈ પણ વેપારી પ્રતિબંધનો ભંગ કરીને ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા પકડાશે, તો તેની સામે કાયદાના કડક પ્રાવધાનો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું.

આગામી દિવસોમાં આ સંયુક્ત તપાસ અભિયાન વધુ વેગવંતું બનાવવામાં આવશે. તંત્રની આ કાર્યવાહીના પગલે જિલ્લામાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)