ભુજ: ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી બે વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસ અંગેનો શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવકુમાર સિંઘે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામ ખાતેની લેબોરેટરીમાંથી આ રિપોર્ટ નેગેટિવ પ્રાપ્ત થયો છે અને હાલ કચ્છમાં અન્ય કોઈ ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો નથી. જોકે, અન્ય બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આ બાળકીની તબિયત હજુ પણ ગંભીર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બાળકીના શંકાસ્પદ સેમ્પલ લેવાયા તે વેળાએ સાવચેતીના પગલારૂપે તેના વરસામેડી સ્થિત નિવાસસ્થાન આસપાસના ૫૦ ઘરોમાં મલાથિયોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે કાર્યવાહી શરૂ કરી
ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે તૈયારીઓને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સંયુક્ત આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) તૈનાત કરી છે. વધુમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (PHEOC) ને સહાય પૂરી પાડવા માટે સક્રિય કરવામાં આવ્યું છે. NJORT માં ICMR જેવી સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ થાય છે જેઓ રોગ દેખરેખ, તપાસ, સારવાર અને નિવારણ પર રાજ્ય સરકારો સાથે સહયોગ કરી રહ્યા છે.
વ્યાપક માહિતી એકત્રિત કરવાના પ્રયાસો
કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો હેતુ વાયરસ વિશે શક્ય તેટલી વધુ માહિતી એકત્રિત કરવાનો છે. આમાં વાયરસના ફેલાવા અને બીમારી પેદા કરવાની તેની સંભાવનાનો અભ્યાસ કરવાનો તેમજ શક્ય સારવાર પદ્ધતિઓની શોધનો સમાવેશ થાય છે. પરિણામે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરને નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT) ને મદદ કરવા માટે સક્રિય કરવામાં આવ્યું છે.
ઉત્સવ વૈદ્ય