ભુજ : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાની સાથે જ કચ્છ જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ચૂંટણી જંગમાં ઉતરવા માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેના પ્રથમ દિવસે જ વિવિધ બેઠકો માટે કુલ 669 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
બે સ્થળોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ
ભાજપના મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ગઈકાલે બે સ્થળોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં અંજાર ખાતે હિરેનભાઈ હીરાપરા, જયસિંહભાઈ પરમાર અને શ્રદ્ધાબેન રાજપૂતે દાવેદારોને સાંભળ્યા હતા. જ્યારે ભુજ ખાતે બળવંતસિંહ રાજપૂત, સરદારભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદીની ટુકડી દ્વારા સેન્સ લેવામાં આવી હતી.
309 દાવેદારોએ પક્ષ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી
કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, પ્રથમ દિવસે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંજાર, રાપર અને ભચાઉ તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાઈ હતી, જેમાં કુલ 309 દાવેદારોએ પક્ષ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે. માંડવી નગરપાલિકા સહિત માંડવી, અબડાસા અને લખપત તાલુકા તથા જિલ્લા પંચાયતના દાવેદારો માટે યોજાયેલી પ્રક્રિયામાં કુલ ૩૬૦ અરજીઓ પ્રાપ્ત થઈ છે.
જૂના જોગીઓથી લઈ યુવા ચહેરાઓમાં ભારે હોડ જોવા મળી
બે દિવસીય આ સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે મોડી સાંજ સુધી મળેલી વચગાળાની વિગતો મુજબ ૬૬૯ જેટલા દાવેદારો ટિકિટ માંગી છે. જોકે, બાકી રહેલા તાલુકાઓ અને નગરપાલિકાઓની પ્રક્રિયા આજે પૂર્ણ થયા બાદ જ તમામ બેઠકો માટેના દાવેદારોનો કુલ આંકડો અને આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જિલ્લામાં સત્તાધારી પક્ષમાં ટિકિટ મેળવવા માટે સંગઠનના જૂના જોગીઓથી લઈ યુવા ચહેરાઓમાં ભારે હોડ જોવા મળી રહી છે.
( ઉત્સવ વૈધ)