ભુજઃ ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરી અભિયાનના શ્રીગણેશ થઈ રહ્યા છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં પણ તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે વિલંબમાં પડેલી આ પ્રક્રિયા પૂરા ૧૫ વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે. કચ્છ જિલ્લામાં આગામી ૨૦મી એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે, જેમાં અંદાજે ૪૦૦૦ જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ગણતરીકાર તરીકેની જવાબદારી સંભાળશે.
વસ્તી ગણતરીનું આ મહાઅભિયાન બે તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો ૨૦મી એપ્રિલથી શરૂ થઈને ૧૯ મે સુધી ચાલશે. આ ગાળા દરમિયાન ગણતરીકારો દ્વારા પ્રત્યેક પરિવારની મુલાકાત લઈને કુલ ૩૩ પ્રકારના વિવિધ પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ, બીજો તબક્કો ફેબ્રુઆરીથી માર્ચ ૨૦૨૭ દરમિયાન હાથ ધરાશે. આ બંને તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ વસ્તીનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવશે.
આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી વિશેષતા તેનું 'ડિજિટલ સ્વરૂપ' છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર વસ્તી ગણતરી માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. ગણતરીકારો એક ખાસ તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ દ્વારા ઘરે-ઘરે જઈને રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરશે અને તેને સીધા સેન્ટ્રલ સર્વર પર અપલોડ કરશે. આ ઉપરાંત, નાગરિકો માટે 'સ્વ-ગણતરી'નો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે, જેમાં નાગરિકો ઓટીપી મારફતે લોગિન કરી પોતાની વિગતો જાતે જ ભરી શકશે.
આ વિશાળ કામગીરીને સુચારૂ રીતે પાર પાડવા માટે તંત્ર દ્વારા ટૂંક સમયમાં તાલીમની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ માસ્ટર ટ્રેનર્સને સઘન તાલીમ આપવામાં આવશે, જેઓ ત્યારબાદ જિલ્લાના ૪૦૦૦ જેટલા કર્મચારીઓને એપના ઉપયોગ અને ડેટા એન્ટ્રી અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સામાન્ય રીતે દર ૧૦ વર્ષે યોજાતી આ પ્રક્રિયા ૧૫ વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઈ રહી હોવાથી તંત્ર કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી.
(ઉત્સવ વૈદ્ય)