Sat Sep 12 2026

Logo

કચ્છમાં સાયબર ક્રાઈમની બે ઘટના બની, માંડવી અને મુંદરામાં બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઠગાઈ

2026-08-01 14:59:19
Author: Vimal Prajapati
કચ્છમાં સાયબર ક્રાઈમની બે ઘટના બની, માંડવી અને મુંદરામાં બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઠગાઈ

ભુજ: સીમાવર્તી કચ્છ જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે બંદરીય માંડવી તાલુકાના પદમપુર અને મુંદરાના સમાઘોઘામાં બે અલગ-અલગ ઘટનાઓમાં બેંક ખાતાઓમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લેવાયા હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે.

રકમ કપાઈ ગયાનો મેસેજ આવતા જાણ થઈ

માંડવી તાલુકાના પદમપુર ગામના ખેડૂત મોહનલાલ શામજીભાઈ રામાણીના બેંક ખાતામાંથી ગત જૂન માસ દરમિયાન તબક્કાવાર જુદા-જુદા ટ્રાન્ઝેક્શન થઈ કુલ રૂપિયા ૬,૩૩,૯૮૬ સાયબર ગઠિયાએ સેરવી લીધા હતા. ખેડૂતના મોબાઈલમાં રકમ કપાઈ ગયાના મેસેજ આવ્યા બાદ તેમણે તપાસ કરતાં ફોન પર વિવિધ કંપનીઓના ઓટીપી આવેલા જોવા મળ્યા હતા. 

ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમણે આ ઓટીપી અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કર્યા ન હતા. સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક બેંક શાખામાં પહોંચી ખાતું બ્લોક કરાવ્યું હતું. આ અંગે ભોગ બનનાર ખેડૂતે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ હેક કરી 24 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યાં

બીજા બનાવની વાત કરવામાં આવે તો, મુંદરા તાલુકાના સમાઘોઘા ખાતે રહેતા દિલીપકુમાર બીજય તિવારી સાથે પણ ઓનલાઈન ઠગાઈ થઈ હતી. તેમના બેંક ખાતામાંથી ઓટો-પે  મારફતે રૂપિયા ૧૯૯ કપાયા હતા, જે પરત મેળવવાની લાલચ આપી એક અજાણ્યા શખ્સે વોટ્સએપ કોલ દ્વારા તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી તેમના એચડીએફસી અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી કુલ રૂપિયા ૨૪,૫૦૦ પોતાના એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે મુંદરા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.