Tue Aug 25 2026

Logo

કચ્છ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો: અગ્રણી હાજી જુમા રાયમાનું ચૂંટણી સમિતિમાંથી રાજીનામું

2026-04-02 10:23:00
Author: Mayur Patel
કચ્છ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકર્યો: અગ્રણી હાજી જુમા રાયમાનું ચૂંટણી સમિતિમાંથી રાજીનામું

ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કચ્છ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં જ ચૂંટણી વ્યવસ્થાપન સમિતિમાં નિમણૂક પામેલા કચ્છના કદાવર નેતા હાજી જુમા રાયમાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. પક્ષની જ એક મહિલા કાર્યકર સામે શિસ્તભંગના પગલાં ન લેવાતા નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

હાજી જુમા રાયમાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સંબોધીને લખેલા પત્રમાં સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કચ્છ કોંગ્રેસની એક મહિલા સદસ્યા દ્વારા તેમની સામે પાયાવિહોણા આક્ષેપો કરીને પક્ષની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ મામલે જિલ્લા પ્રમુખે ખુલાસો પણ માંગ્યો હતો, તેમ છતાં પ્રદેશ કક્ષાએથી તે મહિલા વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. 

રાયમાએ પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, "હું આજીવન કોંગ્રેસી છું અને પક્ષની વિચારધારામાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું, પરંતુ સ્વમાનના ભોગે કોઈ પણ પદ સ્વીકારવું મને મંજૂર નથી."

પોતાના રાજીનામા સાથે તેમણે પક્ષ સમક્ષ આકરી શરત પણ મૂકી છે. રાયમાના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી સંબંધિત મહિલાનું સભ્યપદ રદ કરવામાં ન આવે અને પક્ષની કોઈ પણ બેઠક કે કાર્યક્રમમાં તેમની હાજરી પર લેખિતમાં પ્રતિબંધ લાદવામાં ન આવે, ત્યાં સુધી તેઓ પક્ષનું કોઈ પણ પદ સ્વીકારશે નહીં. 

(ઉત્સવ વૈદ્ય)