ભુજ: ગુજરાતના ભૌગોલિક રીતે સૌથી મોટા જિલ્લા કચ્છના કલેક્ટર આનંદ પટેલે વહીવટી તંત્રના અધિકારીઓને માનસિક રીતે સ્વસ્થ અને તણાવમુક્ત રાખવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. સરકારી કામકાજ અને જવાબદારીઓના બોજ વચ્ચે અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે ખાસ 'સાઉન્ડ મેડિટેશન' સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા પ્રયોગમાં ૨૦૧૦ બેચના આઈએએસ અધિકારી અને કચ્છ કલેક્ટર આનંદ પટેલે તેમના પત્ની નિર્મલાબેન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સેશનનું સંચાલન મૂળ કચ્છના અને હાલ મુંબઈ સ્થિત મનોચિકિત્સક તથા વેલનેસ કોચ અનિલા દ્વારા કરવામાં આવ્યું હતું. ૪૫ મિનિટના આ સત્ર દરમિયાન તેમણે 'થેરાપ્યુટિક સાઉન્ડ' અને 'ડીપ રેસ્ટ' પર વિશેષ ભાર મૂક્યો હતો. વિવિધ પ્રકારના નાદ વગાડીને સમજાવવામાં આવ્યું હતું કે સાઉન્ડ વેવ્સ કેવી રીતે શરીર અને મનમાંથી તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમમાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર ડી.પી. ચૌહાણ, સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટર ભરત પ્રજાપતિ અને ભુજ પ્રાંત અધિકારી અનિલ જાધવ સહિત વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર આનંદ પટેલે આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખવા તેમજ નવી ઉર્જા મેળવવા માટે સાઉન્ડ મેડિટેશન અત્યંત અસરકારક છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 'ચિંતન શિબિર' દરમિયાન તેઓ આ પદ્ધતિના મહત્વથી પરિચિત થયા હતા અને તેને રોજિંદા જીવનમાં અપનાવવી જોઈએ. કલેક્ટરના મતે, આ પ્રકારના પ્રયોગોથી અધિકારીઓ માનસિક શાંતિ અનુભવશે, જેની સીધી હકારાત્મક અસર તેમના વહીવટી કાર્ય અને પ્રજાલક્ષી સેવાઓ પર પડશે.
ઉલ્લેખનીય છે કે, આનંદ પટેલ એક મહેનતુ અને બાહોશ અધિકારી તરીકે જાણીતા છે. ૨૭ ઓક્ટોબર, ૧૯૮૫ના રોજ જન્મેલા અને મૂળ સાબરકાંઠાના હિંમતનગરના વતની એવા આનંદ પટેલ માર્ચ ૨૦૨૩થી કચ્છના કલેક્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઇતિહાસમાં સ્નાતક થયેલા પટેલ અગાઉ બનાસકાંઠા, પાટણ અને રાજકોટમાં પણ મહત્વના હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. કચ્છમાં આ તેમની બીજી ઇનિંગ છે, કારણ કે અગાઉ તેઓ ભુજમાં એડિશનલ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.