Sun Sep 06 2026

Logo

ભુજના મેઘપર ગામમાં હિંસક પશુએ એકસાથે ૫૫ પશુઓનું મારણ કરતા હાહાકાર

2026-03-10 15:22:00
Author: Mumbai Samachar Team
ભુજના મેઘપર ગામમાં હિંસક પશુએ એકસાથે ૫૫ પશુઓનું મારણ કરતા હાહાકાર

ભુજઃ કચ્છના ભુજ તાલુકાના નારાણપર નજીક આવેલા મેઘપર ગામના મુક્તનગર જીવન રબારી વાસ વિસ્તારમાં શનિવારની રાત્રિ માલધારીઓ માટે કાળમુખી સાબિત થઈ હતી. નજીકની ચાડવા રખાલમાંથી ઘુસી આવેલા કોઈ હિંસક જંગલી પશુએ માલધારીના વાડા પર હુમલો કરી ૫૧ ઘેટાં અને ૪ બકરીઓ સહિત કુલ ૫૫ મૂંગા પશુઓને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો છે.

મેઘપરના મુક્તનગર વિસ્તારમાં મોટાભાગે માલધારી પરિવારો વસવાટ કરે છે, જેઓ પશુપાલન દ્વારા જ પોતાનું ગુજરાન ચલાવે છે. શનિવારે રાત્રે સ્થાનિક માલધારી રાજાભાઇ સોમાભાઇ રબારીએ પોતાના ૧૨૫ જેટલા ઘેટાં-બકરાંને સુરક્ષિત રીતે વાડામાં પૂર્યા હતા અને રક્ષણ માટે પુત્ર વાડા બહાર સૂતો હતો. જોકે, મોડી રાત્રે નજીકની ચાડવા રખાલમાંથી ધસી આવેલા હિંસક જાનવરે વાડામાં ઘૂસી લોહીની હોળી રમી હતી. હિંસક જાનવરે પશુઓના ગળાના ભાગે હુમલો કરી ૫૧ સગર્ભા માદા ઘેટાં અને ૪ સગર્ભા બકરીઓને ફાડી ખાધા હતા. રવિવારે વહેલી સવારે જ્યારે રાજાભાઇએ વાડાનો ઝાંપો ખોલ્યો ત્યારે લોહીલુહાણ હાલતમાં તેમના પશુઓના મૃતદેહના ઢગલા જોવા મળ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ મેઘપરના સરપંચ નાગશી મહેશ્વરીએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. વન વિભાગના રેખાબેન રબારી અને ટુકડી બનાવ સ્થળે પહોંચ્યા હતા જ્યાં કેરા પશુ સારવાર કેન્દ્રના ડો. આરતીબેન કાપડીએ મૃત પશુઓનું પંચનામું અને ઘાયલ પશુઓની સારવાર કરી હતી. કેરા આઉટ પોસ્ટના જમાદાર જેન્તી મહેશ્વરી અને બાબુ પરમારના જણાવ્યા પ્રમાણે, મૃત પશુઓના શરીર પરના નખના નિશાન તેમજ ગળા પરના ઘા જોતા, આ હુમલો જરખ (ચરાખ) દ્વારા કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

ચાડવા રખાલ દીપડા અને જરખ જેવા જાનવરોનું નિવાસસ્થાન ગણાય છે. જોકે, અગાઉ પાવરપટ્ટી વિસ્તારમાં કૂતરાઓના ટોળા દ્વારા પણ આવા હુમલા થયા હોવાના દાખલા છે, પરંતુ અહીં હિંસક જાનવરની સંભાવના વધુ જોવામાં આવી રહી હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

માલધારી પરિવાર ગરીબ છે અને પશુઓ જ તેમની મિલકત છે. એકસાથે ૫૫ પશુઓના મોતથી તેમને મોટી આર્થિક નુકશાની ગઈ છે. વન વિભાગ અને સરકાર વહેલી તકે વળતર ચુકવે તેવી માંગ મેઘપર ગામના સરપંચ નાગશી મહેશ્વરીએ કરી હતી. આ ઘટના બાદ સીમ વિસ્તારમાં રહેતા માલધારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગ આ હિંસક જાનવરને પાંજરે પૂરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

(ઉત્સવ વૈદ્ય)