Fri Jul 24 2026

Logo

લાંબા વિરામ બાદ સમગ્ર કચ્છમાં મેઘરાજાની પધરામણી: રાપર અને ભચાઉમાં ગાજવીજ સાથે ધોધમાર

2026-07-24 10:47:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  કચ્છ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ અંતે મેઘરાજાએ મહેરબાન થઈને પધરામણી કરતાં કચ્છીઓમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. સીમાવર્તી વાગડ પંથકના રાપર અને ભચાઉ શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. 

બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની અગાઉથી આગાહી જારી કરવામાં આવી હોઈ સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

વાગડના અંતરિયાળ ગણાતા પ્રાંથળ વિસ્તારના બાલાસર, મૌવાણા અને બેલા સહિતના સીમાડાઓમાં વિજળીના ચમકારા સાથે ઉત્તમ વાવણીલાયક વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. વાવણીલાયક અનુકૂળ માહોલ સર્જાતાં જ સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે અને ખેતરોમાં નિંદામણ તેમજ પિયત સહિતની ખેતીવિષયક પ્રવૃત્તિઓ ફરી ધમધમતી થવાની આશા જાગી છે.

રાત્રિના તોફાની વરસાદ બાદ શુક્રવારની વહેલી સવારથી જ જિલ્લા મથક ભુજ શહેર તેમજ અંજાર, માંડવી, મુંદરા અને નખત્રાણા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કાચા સોના જેવી ધીમી ધારે મેઘમહેર શરૂ થઈ હતી. સતત વરસતા ધીમા વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી.

હવામાન ખાતા દ્વારા આગામી દિવસો દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા પૂર્વતૈયારીના ભાગરૂપે તમામ તાલુકા મથકોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, નગરપાલિકાઓ અને સિંચાઈ વિભાગને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(ઉત્સવ વૈદ્ય)