ભુજ: ભુજ તાલુકાના સણોસરા, વરલી, થરાવડા, પદ્ધર તેમજ કોટડા ચકાર પંથકના ગામોમાં દાડમની ખેતી કરતા ખેડૂતોમાં આ વખતે ખુશીની લહેર છે. આ વખતે દાડમનો મબલખ પાક ઉતરવાની આશાએ ખેડૂતો આનંદમાં છે. ગત વર્ષે ભારે વરસાદ, કમોસમી માવઠાં, પ્રતિકૂળ હવામાન અને રોગચાળાના કારણે દાડમના બગીચાઓને વ્યાપક નુકસાન થયું હતું, જેનાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.
સારો નફો મળવાની આશા
ચાલું વર્ષે પરિસ્થિતિ સાનુકૂળ હોવાથી સારો પાક મળવાની આશા બંધાઈ છે. કોટડા (આ.)ના સરપંચ અને ખેડૂત મનસુખભાઈ માકાણી તેમજ રેહાના સરપંચ ગેલુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ગત વર્ષના કડવા અનુભવમાંથી પાઠ ભણીને આ વર્ષે ખેડૂતો વધુ સાવચેતી રાખી રહ્યા છે. બગીચાઓમાં સમયસર સેન્દ્રીય ખાતર, દવાઓનો છંટકાવ અને ડ્રિપ (ટપક) સિંચાઈ પદ્ધતિ દ્વારા છોડને સપ્રમાણ પાણી-પોષણ આપવામાં આવી રહ્યું છે. પદ્ધરના ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલમાં દાડમના છોડ પર સારી હરિયાળી સાથે નાના ફળો બેસવાના શરૂ થઈ ગયા છે. જો આગામી દિવસોમાં કુદરતી આફત કે કમોસમી વરસાદ ન નડે, તો મોટો આર્થિક ફાયદો થશે.
નિયમિત કાળજીનું પરિણામ મળ્યું
નિષ્ણાતોના મતે, દાડમનું વાવેતર કર્યાના 6થી 8 મહિના બાદ પ્રથમ કાપકૂપ જરૂરી છે. આનાથી છોડનો આકાર મજબૂત બને. સામાન્ય રીતે વાવણીના 2થી 3 વર્ષમાં ફળ આવવાના શરૂ થાય છે અને 4થી 5 વર્ષે તે સંપૂર્ણ ઉત્પાદન આપતું થાય છે. હાલ ખેડૂતો દાડમના પાકમાં મુખ્ય ગણાતા બેક્ટેરિયલ બ્લાઇટ (ચરમી) અને ફળ ફાટી જવાની સમસ્યા સામે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયમિત કાળજી લઈ રહ્યા છે.
ઉત્સવ વૈદ્ય,