ભુજ: ભુજમાં તાજેતરમાં યોજાયેલા ખાનગી લોકમેળામાં ઉમટેલી ભીડ વચ્ચે સાયબર ગઠિયાઓએ એક યુવાનના બેંક ખાતામાંથી ગૂગલ પે મારફતે બારોબાર રૂ 67,૦૦૦ની રકમ સેરવી લીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગૂગલ પે એપ ઓપન કર્યું ત્યારે ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા અને દરજીકામ કરતા યોગેશ ચુનીલાલ દરજી ગત તા. 13 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સુમારે મિરજાપર રોડ પર સેન્ડલવૂડ ખાતે આયોજિત મેળામાં ગયા હતા. બીજા દિવસે તા. 14 સપ્ટેમ્બરે બપોરે જ્યારે તેમણે ચાની દુકાને નાણાં ચૂકવવા માટે ગૂગલ પે એપ ઓપન કર્યું ત્યારે ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું.
ખાતામાં બેલેન્સ તપાસતાં માત્ર રૂ.37 જણાતાં તેમણે ચુકવણાની હિસ્ટ્રી ચેક કરી હતી. જેમાં તા. 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૨૯ વાગ્યે રૂ.50,000 અને ૮:૪૦ વાગ્યે રૂ.17,000 એમ બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ‘હરિઓમ કિરાણા સ્ટોર’ના નામે કુલ રૂ.67,000 ઉપડી ગયા હોવાનું જણાયું હતું.
પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ તેજ કરી
જેની બાદ યુવાને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બેંકની વિગતો મેળવતાં આ નાણાં એરટેલ પેમેન્ટ્સ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી આરોપીઓનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.
નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી
આ દરમ્યાન અગાઉ વીજ બિલ બાકી હોવાના બહાને છેતરપિંડી આચર્યા બાદ સાયબર ભેજાબાજોએ હવે ટ્રાફિક નિયમભંગના નકલી ઈ-ચલણ મોકલી લોકોને લૂંટવાની તરકીબ ફરી શરૂ કરી છે. ભુજના એક જાગૃત ધારાશાસ્ત્રીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ થતાં આ મામલો સપાટી પર આવ્યો છે, જેને પગલે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
આ વિગતો મુજબ, ભુજના એક વકીલના મોબાઈલ પર રૂ.1,000 નું ટ્રાફિક ઈ-ચલણ બાકી હોવાનો અને તે ભરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનો મેસેજ આવ્યો હતો. ધારાશાસ્ત્રીએ શંકા જતાં લિંક ખોલવાને બદલે સત્તાવાર ટ્રાફિક પોર્ટલ પર જઈ મેસેજમાં દર્શાવેલો ચલણ નંબર નાખી ખરાઈ કરી હતી, જ્યાં આ ચલણ નંબર અસ્તિત્વમાં જ ન હોવાનું એટલે કે ઈનવેલિડ હોવાનું ખૂલ્યું હતું.
ગઠિયાઓ બનાવટી લિંક મોકલી લોકોના મોબાઈલનો ડેટા ચોરી લે છે
સાયબર નિષ્ણાતોના મતે, ગઠિયાઓ બનાવટી લિંક મોકલી લોકોના મોબાઈલનો ડેટા ચોરી લે છે અથવા બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અને અધિકૃત સરકારી પોર્ટલ પરથી જ ચલણની ચકાસણી કરવા કાયદાકીય નિષ્ણાતો અને સાયબર વિભાગે અનુરોધ કર્યો છે.
(ઉત્સવ વૈધ)