Thu Jun 18 2026

Logo

ભુજ કોર્ટ પરિસરને ફરી એકવાર  બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો અને પક્ષકારોમાં ભય

2026-03-30 18:40:25
Author: Mumbai Samachar Team
Article Image

 ભુજ: કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલી કોર્ટને આજે ફરી એકવાર અજાણ્યા શખ્સો દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. એક જ મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આજે ચાલુ કામકાજ દરમિયાન ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ  ધમકીના પગલે સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ સુરક્ષાના કારણોસર સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું, જેના લીધે વકીલો, કોર્ટના કર્મચારીઓ અને પોતાના કામ માટે આવેલા સેંકડો પક્ષકારોમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હજુ માંડ એકાદ માસ પહેલા જ આવી જ રીતે ધમકીભર્યો મેસેજ કે પત્ર મળ્યો હતો, ત્યારે ફરી એકવાર સમાન પ્રકારની ઘટના બનતા પોલીસ આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. હાલમાં પોલીસ આ ધમકી પાછળ કોનો હાથ છે અને આ પરાક્રમ કોઈ ટીખળખોરનું છે કે કોઈ ગંભીર કાવતરું, તે દિશામાં તપાસ ચલાવી રહી છે. વારંવાર મળતી આવી ધમકીઓને પગલે કોર્ટ પરિસરમાં કાયમી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની માંગ પણ ઉઠી રહી છે.

( ઉત્સવ વૈધ)