Tue Oct 06 2026

Logo

કચ્છના ભચાઉનો યુવાન બન્યો 2.19 લાખના સાયબર ફ્રોડનો ભોગ,પોલીસે તપાસ શરૂ કરી

2026-04-08 16:55:33
Author: Chandrakant Kanoja
કચ્છના ભચાઉનો યુવાન બન્યો 2.19 લાખના સાયબર ફ્રોડનો ભોગ,પોલીસે તપાસ શરૂ કરી

ભચાઉ: કચ્છના ભચાઉમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એક યુવાનના ક્રેડિટ કાર્ડનો વિગતો મેળવી, ગુરુગ્રામના ભેજાબાજ શખ્સે રૂ. 2.19  લાખની ઓનલાઈન ખરીદી કરી ઠગાઈ આચર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આરોપીએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી ફ્લિપકાર્ટ એપ દ્વારા ત્રણ મોંઘા મોબાઈલ ફોન મંગાવી લીધા હોવાનું  પ્રકાશમાં  આવ્યું છે.

ક્રેડિટ કાર્ડમાંથી નાણાં કપાયા હોવાના મેસેજ આવવા લાગ્યા

પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ, આ બનાવ ગત ૩૦ માર્ચના અરસામાં બન્યો હતો. ફરિયાદી દિલીપસિંહ ભરતસિંહ દાહીમાના મોબાઈલ પર અચાનક તેમના ક્રેડિટ કાર્ડમાંથી નાણાં કપાયા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, જુદા-જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૨,૧૯,૦૦૦ની ઓનલાઈન ખરીદી કરવામાં આવી છે. દિલીપસિંહે તુરંત પોતાના ફોનમાં ફ્લિપકાર્ટ એપ ડાઉનલોડ કરી ચેક કરતા જણાયું હતું કે, ગુરુગ્રામમાં રહેતા ગૌતમ કુમાર નામના શખ્સે તેમનું એકાઉન્ટ હેક કરીને ત્રણ મોંઘા મોબાઈલ ફોન ઓર્ડર કર્યા હતા.

આરોપી ગૌતમ કુમાર વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો 

ભોગ બનનાર યુવાને તાત્કાલિક ફ્લિપકાર્ટમાં ઓર્ડર કેન્સલ કરી નાણાં પરત મેળવવા 'રીટર્ન રિક્વેસ્ટ' નાખી હતી, પરંતુ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોબાઈલ ફોન નિર્ધારિત સરનામે ડિલિવર થઈ ચૂક્યા છે. જે માં  શરૂઆતમાં ઓનલાઈન પ્રક્રિયા દ્વારા નાણાં પરત મળી જશે તેવી આશાએ ફરિયાદીએ થોડી રાહ જોઈ હતી, પરંતુ સફળતા ન મળતા અંતે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુરુગ્રામના આરોપી ગૌતમ કુમાર વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(ઉત્સવ વૈધ)