Tue Oct 06 2026

Logo

કચ્છના ભચાઉમાં લૂંટના આરોપીઓને પકડવા ગયેલી રાપર પોલીસ પર હુમલો, ચાર સામે ગુનો દાખલ

2026-08-06 12:59:00
Author: Vimal Prajapati
કચ્છના ભચાઉમાં લૂંટના આરોપીઓને પકડવા ગયેલી રાપર પોલીસ પર હુમલો, ચાર સામે ગુનો દાખલ

ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોટી ચીરઇ ગામે લૂંટના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા ગયેલી રાપર પોલીસની ટીમ પર હુમલો કરી, પીએસઆઈ સાથે ઝપાઝપી કરીને આરોપીઓને ભગાડી મૂકવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભચાઉ પોલીસ મથકે ચાર શખ્સો સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, રાપર પોલીસ મથકના પોલીસ સબ-ઈન્સપેક્ટર ભરતકુમાર શિવા ચૌધરી અને તેમની ટુકડી ગાંધીધામ અદાલતમાં રૂટિન કામગીરી પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાપર પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનાના ફરાર આરોપી સંજય વિશન લોદરિયા અને દિનેશ બેચર લોદરિયાને મોટી ચીરઇ ગામના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ આશરો આપ્યો છે અને તેઓ ચીરઇ ગામના ચોકમાં આશાપુરા માતાના મંદિર પાસે હ્યુન્ડાઇ ક્રેટા કારમાં બેઠા છે.

આ બાતમીના આધારે પીએસઆઈ ચૌધરી અને તેમની ટુકડી તુરંત મોટી ચીરઇ પહોંચ્યા હતા. જ્યાં મંદિર પાસે કાળા કાચવાળી નંબરપ્લેટ વગરની ક્રેટા કાર પાસે લૂંટના બંને આરોપીઓ સંજય અને દિનેશ ઉપરાંત યુવરાજસિંહ જાડેજા તથા સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢા હાજર હતા. પોલીસે લૂંટના આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરતાં યુવરાજસિંહ અને સ્વરૂપસિંહે પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. તેમણે લૂંટના બંને આરોપીઓને "પોલીસ આવી છે, ભાગી જાઓ" તેમ કહી મોટરસાઇકલ પર ભગાડી મૂક્યા હતા.

જ્યારે ફોજદારે તેમને ફરજમાં રુકાવટ ન કરવા જણાવતાં, બંને શખ્સોએ ઉશ્કેરાઈને પોલીસ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. તેમજ પીએસઆઈને ધક્કો મારી નીચે પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ પણ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે બનાવ સ્થળેથી આરોપી સંજય લોદરિયાની નંબરપ્લેટ વગરની ક્રેટા કાર જપ્ત કરી છે. સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને ધમકી આપવા બદલ ભચાઉ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી, ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)