Tue Oct 06 2026

Logo

અંજારમાં રસ્તાના ખાડાએ લીધો પતિનો જીવ, આપઘાત અને અકસ્માતની ઘટનામાં અન્ય 3 જણના મોત

2026-09-25 13:18:55
Author: Vimal Prajapati
અંજારમાં રસ્તાના ખાડાએ લીધો પતિનો જીવ, આપઘાત અને અકસ્માતની ઘટનામાં અન્ય 3 જણના મોત

AI Generated Image


ભુજ: પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામ પાસે એરપોર્ટ રોડ પર ખાડાના કારણે મોટરસાઇકલ સ્લિપ થતાં પત્નીની નજર સામે જ પાછળથી ધસી આવેલા ટેન્કરે પતિને કચડી નાખતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સિવાય કચ્છ જિલ્લામાં આપઘાત અને અકસ્માતના અન્ય ત્રણ અલગ-અલગ બનાવોમાં વૃદ્ધા, પરપ્રાંતીય શ્રમિક અને એક યુવાને જીવ ગુમાવ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ...

ખાડાના લીધે વાહન પરથી કાબૂ ગુમાવ્યો

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, વરસામેડી ઇન્ડિયા કોલોનીમાં રહી વેલસ્પન કંપનીમાં કામ કરતાં રાકેશ બલીરામ પંડાગરે અને તેમનાં પત્ની જયશ્રીબેન ગત તારીખ 23 સપ્ટેમ્બરે બપોરે મોટરસાઇકલ પર શાંતિધામ બજારમાં જઈ રહ્યાં હતાં. નાઇન્થ એવેન્યુ સોસાયટી પાસે રસ્તામાં પડેલા ખાડાના લીધે વાહન પરનો કાબૂ ગુમાવતાં દંપતી રોડ પર પટકાયું હતું. તે વેળાએ પાછળથી ધસી આવેલા ટેન્કરે રાકેશભાઈને અડફેટે લઈ કચડી નાખતાં ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. પત્ની જયશ્રીબેને ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

રામીબેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

બીજા બનાવની વાત કરવામાં આવે તો, આદિપુરના ધોરાજી ડેરો વિસ્તારમાં સિંધુવર્ષા સોસાયટીનાં રહીશ 71 વર્ષીય રામીબેન દયારામ તેજવાણીએ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ત્રીજા બનાવમાં, મુંદરાના શિરાચા સ્થિત એસ.વી.ટી. કોલોનીમાં રહેતા મૂળ ઝારખંડના 41 વર્ષીય શ્રમિક સુરેન્દ્ર ઉતીન ભુઇયા કોલોની પાસે આવેલા પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં મોતને વહાલું કર્યું હતું. આ મામલે મુંદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દર્જ કર્યો છે.

ચોથા બનાવની વાત કરીએ તો, ભુજ તાલુકાના ઢોરી ગામના 30 વર્ષીય યુવાન હમીર માવજી ફફલે પાકમાં છાંટવાની ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ય યુવતી સાથેના સંબંધોની જાણ થતાં પત્ની પિયર જતી રહેવાથી માનસિક તણાવમાં આવી તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)