Thu Sep 03 2026

Logo

અંજારમાં દારૂનું ગુપ્ત ભોંયરું ઝડપાયું, મકાનની પાછળ ખાડો ખોદતા નીકળ્યો દારૂનો જથ્થો

2026-07-11 11:54:00
Author: Mumbai Samachar Team
અંજારમાં દારૂનું ગુપ્ત ભોંયરું ઝડપાયું,  મકાનની પાછળ ખાડો ખોદતા  નીકળ્યો દારૂનો જથ્થો

ભુજ: અંજાર તાલુકાના નિંગાળ ગામમાં એક મકાનની પાછળ જમીનમાં ખાડો ખોદીને ગેરકાયદેસર રીતે સંતાડવામાં આવેલો રૂપિયા ૧.૦૭ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો અંજાર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લીધો છે. પોલીસે આ મામલે બુટલેગર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, અંજાર પોલીસની ટુકડી ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નિંગાળ ગામે રહેતા અહેમદ સલીમ કેવર અને હમજા સલીમ કેવર તેમજ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વાઘેલા નામના શખ્સોએ ભેગા મળીને અહેમદના મકાનની પાછળ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત જ કથિત સ્થળે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નહોતા, પરંતુ શંકાસ્પદ જગ્યાએ મકાનની પાછળ ખોદકામ કરતાં જમીનમાં ડાટેલી વિદેશી દારૂની પેટીઓ નીકળી પડી હતી. પોલીસે સ્થળ પરથી વ્હાઇટલેસ જામુન વોડકાના ૧૪૪ ક્વાર્ટરિયા, ૮ પીએમના ૪૮ ક્વાર્ટરિયા, ગ્રીન લેબલ વ્હિસ્કીની ૭૫૦ મિ.લિ.ની ૯૦ બોટલ, કિંગફિશર બિયરના ૧૯૨ ટીન તથા ગ્રીન લેબલ બરેલના ૯૬ ક્વાર્ટરિયા મળીને કુલ રૂપિયા ૧,૦૭,૫૮૬નો શરાબ જપ્ત કર્યો હતો. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે લાલાનો દારૂ અગાઉના દિવસે પણ પકડાયો હતો, પરંતુ તે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ત્રણેય નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.


(ઉત્સવ વૈદ્ય)