Sun Sep 13 2026

Logo

કચ્છમાં ત્રિપલ કરૂણાંતિકા: રાપરમાં અકસ્માતમાં 7 વર્ષના બાળકનું મોત, અંજારમાં વૃદ્ધની આત્મહત્યા અને મુંદરામાં બિનવારસ મૃતદેહ મળ્યો...

2026-03-17 15:48:06
Author: Tejas rajpara
કચ્છમાં ત્રિપલ કરૂણાંતિકા: રાપરમાં અકસ્માતમાં 7 વર્ષના બાળકનું મોત, અંજારમાં વૃદ્ધની આત્મહત્યા અને મુંદરામાં બિનવારસ મૃતદેહ મળ્યો...

ભુજ: સીમાવર્તી રાપર તાલુકા સહિત કચ્છ જિલ્લામાં આજે અકસ્માત અને અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં રાપર નજીક રોડ પર પગપાળા જઈ રહેલા 7 વર્ષના બાળકને પૂરપાટ ઝડપે આવતી મોટરસાઇકલે હડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અંજારના મેઘપર બોરીચીમાં વૃદ્ધે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી અને મુંદરામાં એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

પિતાને ટિફિન આપી પરત ફરતા 7 વર્ષના બાળકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર, રાપરના પીરધાર વિસ્તારમાં રહેતા અને પાલનપર રોડ પર આવેલી ગણેશ કારોત્રાની વાડીમાં ખેતીકામ કરતા રમેશ છગન દેવીપૂજક અને તેમના બહેન વાડીએ હતા ત્યારે તેમના બે પુત્રો પ્રવીણ (12 વર્ષ) અને શૈલેષ (7 વર્ષ) ઘરેથી ટિફિન લઈને વાડીએ ગયા હતા. ટિફિન આપીને બંને ભાઈઓ જ્યારે પગપાળા પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી મોટરસાઇકલ (નંબર GJ-39-B-8796)ના ચાલક રમેશ ગાંગજી વાવિયાએ શૈલેષને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા શૈલેષને તાત્કાલિક તે જ મોટરસાઇકલ પર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જીને નાસી જવાના બદલે ચાલક બાળકને હોસ્પિટલ લઈ ગયો હોવા છતાં માસૂમનો જીવ બચી શક્યો નહોતો.

અંજારમાં વૃદ્ધની આત્મહત્યા

બીજી તરફ, અંજાર તાલુકાના મેઘપર બોરીચીના પરસોત્તમનગરમાં રહેતા 79 વર્ષીય વૃદ્ધ લગધીર અમરાભાઈ ગઢવીએ ગઈકાલે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મુંદરામાં અજાણ્યો મૃતદેહ મળ્યો 

બંદરીય મુંદરામાં મોટા કપાયાથી પ્રાગપર ચોકડી વચ્ચેના માર્ગ પરથી આજે સાંજે એક 35 થી 40 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. મૃતક યુવાને લાલ રંગનું શર્ટ અને સ્લેટિયા કલરનું પેન્ટ પહેરેલું છે. મુંદરા પોલીસે આ અજાણ્યા શખ્સની ઓળખ વિધિ કરવા માટે તજવીજ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)