Thu Jun 18 2026

Logo

ખાડી યુદ્ધની અસર અબડાસા સુધી: કોમર્શિયલ સિલિન્ડરના ફાંફા, વેપારીઓની લગ્નસરાની સીઝન બગડી

2026-04-13 11:30:00
Author: MayurKumar Patel
Article Image

ભુજઃ ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધના કારણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ થવાની વૈશ્વિક અસર હવે કચ્છના સરહદી અબડાસા તાલુકામાં પણ વર્તાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પુરવઠા શૃંખલા ખોરવાતા સ્થાનિક બજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે લગ્નસરાની સીઝનમાં કેટરર્સ અને મીઠાઈના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નલિયા સ્થિત એકમાત્ર ગેસ એજન્સી દ્વારા સમયસર પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળતા મળતા વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલમાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે, સાથે જ સામાજિક પ્રસંગો અને ચૂંટણીલક્ષી ગતિવિધિઓને કારણે બજારમાં કોમર્શિયલ ગેસની માંગમાં અનેકગણો વધારો થયો છે. નલિયા કેટરર્સ એસોસિયેશનના અગ્રણી દિનેશભાઈ સિંધવે આ અંગે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "એક તરફ ઓર્ડર પૂરા કરવાનું દબાણ છે અને બીજી તરફ જરૂરિયાત મુજબના ગેસ સિલિન્ડર ઉપલબ્ધ નથી. રાંધણ ગેસના અભાવે અનેક નાના-મોટા વ્યવસાયો પર ગંભીર આર્થિક અસર પડી રહી છે."

માત્ર કેટરર્સ જ નહીં, પરંતુ મીઠાઈ, ફરસાણ અને સાંજના સમયે નાસ્તાનું વેચાણ કરતા નાના ફેરિયાઓ પણ આ પુરવઠાની અનિયમિતતાનો ભોગ બની રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, સમયસર ગેસ ન મળવાને કારણે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે, જેનાથી ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે. વ્યવસાયોને થતું આર્થિક નુકસાન અટકાવવા માટે કોમર્શિયલ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે ફાળવવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ સ્થાનિક કેટરર્સ એસોસિયેશને કરી છે.

(ઉત્સવ વૈદ્ય)