Sun Sep 06 2026

Logo

વર્લ્ડ કપ જીત્યા પછી કુલદીપ યાદવ શરૂ કરશે જીવનની નવી ઇનિંગ: આ તારીખે કરશે લગ્ન

2026-03-10 16:26:08
Author: Mumbai Samachar Team
વર્લ્ડ કપ જીત્યા પછી કુલદીપ યાદવ શરૂ કરશે જીવનની નવી ઇનિંગ: આ તારીખે કરશે લગ્ન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલનો સમય બેવડી ખુશીઓ લઈને આવ્યો છે. એકતરફ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે, તો બીજી તરફ ટીમના સ્ટાર બોલર કુલદીપ યાદવ હવે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. કુલદીપ 14 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કુલદીપ યાદવ તેની બાળપણની મિત્ર વંશિકા સાથે મસૂરીના એક આલિશાન રિસોર્ટમાં 14 માર્ચે લગ્ન કરશે. વંશિકા અને કુલદીપ બંને કાનપુરના રહેવાસી છે અને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. લગ્ન બાદ 17 માર્ચે લખનઉમાં એક ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં બીસીસીઆઈના પદાધિકારીઓ અને અનેક દિગ્ગજ ક્રિકેટર હાજરી આપે તેવી શક્યતા છે. કુલદીપના પિતા રામસિંહ યાદવે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને લગ્નનું આમંત્રણ પણ આપ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે કુલદીપ યાદવના લગ્ન અગાઉ નવેમ્બર 2025માં નિર્ધારિત હતા, પરંતુ દેશ માટે વર્લ્ડ કપ જીતવાના લક્ષ્યને પ્રાધાન્ય આપીને તેમણે લગ્ન પાછા ઠેલ્યા હતા. 13 માર્ચથી મસૂરીમાં હલ્દી અને મહેંદીની વિધિઓ શરૂ થશે. કુલદીપના કોચ કપિલ દેવ પાંડેએ પણ આ સમારોહની પુષ્ટિ કરી હતી. હવે તમને જણાવી દઈએ કે વંશિકા હાલમાં LICમાં ફરજ બજાવે છે અને ગત વર્ષે લખનઉમાં આ કપલની સગાઈ થઈ હતી.

T20 વર્લ્ડ કપ 2026ની જીત બાદ કુલદીપે પોતાની ખુશી વ્યક્ત કરતા આ જીતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. તેણે ખાસ કરીને ઓપનર સંજુ સેમસનના વખાણ કર્યા હતા. કુલદીપે જણાવ્યું હતું કે હું સંજુ માટે ખૂબ ખુશ છું, અમે અંડર-12ના સમયથી સાથે રમીએ છીએ. તેની મહેનતનું ફળ તેને મળ્યું છે તે જોઈને આનંદ થાય છે. જોકે, કુલદીપને આ ટુર્નામેન્ટમાં માત્ર પાકિસ્તાન સામે રમવાની તક મળી હતી, જેમાં તેણે 1/14ના આર્થિક સ્પેલ સાથે પ્રભાવ પાડ્યો હતો.