અમદાવાદઃ શહેરના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ કરોડોની કારની એક્સિડન્ટ કરીને કાર ચાલક સાથે મારામારી કરી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપીને વરઘોડો કાઢ્યો હતો.

શું છે સમગ્ર મામલો
અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે શહેરના પોશ વિસ્તાર સી.જી. રોડ પર બે દિવસ પહેલાં કાયદો હાથમાં લીધો હતો. રોંગ સાઈડમાં કરોડોની કિંમતની સ્પોર્ટ્સ કાર હંકારીને અકસ્માત સર્જ્યા બાદ દાદાગીરી કરી હતી. જે બાદ પોલીસે તેની અને તેના સાથીની ધરપકડ કરી હતી.
આદિત્ય રાઠોડે પોતાની અંદાજે રૂ. 1 કરોડની કિંમત ધરાવતી ફોર્ડ મસ્ટાંગ કાર સી.જી. રોડ પર જોખમી રીતે રોંગ સાઈડમાં હંકારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ભૂલ સ્વીકારવાને બદલે આદિત્ય અને તેના મિત્રએ સામેની કારના ચાલક સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.કાર ચાલકની ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક પગલાં લઈ મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ અને તેના સાથીદાર વિશ્વરાજ પરમારની ધરપકડ કરી હતી.
પોલીસ બંને આરોપીઓને સી.જી. રોડ સ્થિત ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર બનાવનું પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અકસ્માત અને ગુનામાં વપરાયેલી રૂ.1 કરોડની મસ્ટંગ કારને પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આદિત્ય રાઠોડ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે અત્યાર સુધીમાં 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં નવરંગપુરામાં હત્યાનો પ્રયાસ, રાજકોટમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો, ગાંધીનગરમાં બેફામ અને જોખમી વાહન ચલાવવું તથા અમદાવાદ સહિતના વિસ્તારોમાં અન્ય 2 અકસ્માતના ગુના નોંધાયેલા છે.