જૂનાગઢઃ ખંડણી કેસમાં સોમવારે જામીન મળ્યા બાદ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય ગુના સંદર્ભે કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસે કીર્તિ પટેલની સાથીદાર દિવ્યા સાવલાની પણ ધરપકડ કરી હતી.
કીર્તિ પટેલની સાથી દિવ્યાની પણ ધરપકડ
આ સિવાય જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલની સાથીદાર દિવ્યા સાવલાની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી હતી. કોર્ટમાં રજૂ કરાતા પૂર્વે જૂનાગઢ તાલુકા પોલીસે દિવ્યા સાવલાનુ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. દિવ્યા સાવલાની ઉપર પણ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે દિવ્યા સાવલાના 3 દિવસના રિમાન્ડ માંગ્યા છે.
કીર્તિ પટેલ વિરુદ્ધ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં તેના પર પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરવાનો તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરવાનો આરોપ છે. આ કેસની તપાસના ભાગરૂપે કીર્તિ પટેલ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, જ્યાં તપાસ અધિકારીઓએ તેની કલાકો સુધી પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું.
કીર્તિ પટેલને સોમવારે જ એક ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ તેની વિરુદ્ધ અન્ય બે ફરિયાદો નોંધાયેલી છે. ભવનાથમાં નોંધાયેલા આ કેસમાં કાયદાકીય તપાસ હજુ ચાલુ છે.
આ વિવાદની શરૂઆત જૂનાગઢના એક યુટ્યુબર દ્વારા કીર્તિ પટેલના વીડિયોનો વિરોધ કરવાથી થઈ હતી. યુટ્યુબરનો આરોપ છે કે તેના વિરોધને કારણે કીર્તિના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા. આ વાતનો ખાર રાખીને કીર્તિ પટેલ અને તેની ટોળકીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આક્ષેપ મુજબ, તેની પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જો તે પૈસા નહીં આપે તો તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. આ માનસિક ત્રાસથી કંટાળીને યુટ્યુબર બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.