Mon Sep 14 2026

Logo

કીર્તિ પટેલ સામે હવે લેન્ડ ગ્રેબિંગનો પણ કેસ, સુરતના ડુંભાલમાં ફ્લેટ પચાવી પાડી માલિકને મારી નાંખવાની ધમકી આપી

2026-07-31 11:33:00
Author: Vimal Prajapati
કીર્તિ પટેલ સામે હવે લેન્ડ ગ્રેબિંગનો પણ કેસ, સુરતના ડુંભાલમાં ફ્લેટ પચાવી પાડી માલિકને મારી નાંખવાની ધમકી આપી

સુરતઃ વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વારંવાર વિવાદમાં રહેતી હોય છે. છાશવારે તેના કોઈ નિવેદનની ચર્ચા શરૂ થઈ જતી હોય છે. ગઈ કાલે તેની જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં સુરત પોલીસે સુરેન્દ્રનગરથી ધરપકડ કરી હતી. હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. કીર્તિ પટેલ સામે હવે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેથી હવે કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થવાનો છે. 

કીર્તિ પટેલે વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો

વિગતે વાત કરવામાં આવે તો, ડુંભાલ વિસ્તારમાં આવેલા ‘કુશલ દર્શન વાટીકા’માં  એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ ફ્લેટ ભાડે રાખ્યો છતાં કીર્તિએ તેનું ભાડું ચૂકવ્યું નહોતું. ભાડું તો નથી જ આપ્યું પરંતુ કીર્તિ પટેલે આ ફ્લેટ વૃદ્ધ દંપતી પાસેથી પડાવી લીધો હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં પરંતુ જ્યારે મકાનમાલિકે ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું ત્યારે કીર્તિ પટેલે ‘બીજી વાર અહીં આવ્યાં તો જાનથી મારી નાખીશ’ તેવી  ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે હવે પરિવારે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મકાનમાલિકે કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

એક કેસમાં તો કીર્તિની ધરપકડ કરવામાં આવી તેવામાં હવે આ બીજો કેસ નોંધાયો છે. ફ્લેટ પચાવી પાડ્યો તેની વાત કરવામાં આવે તો, આ ફ્લેટ કીર્તિ પટેલે 2019માં ભાડે લીધો હતો, જેમાં મહિનું ભાડું રૂપિયા 9500 નક્કી કરવામાં આવ્યું હતું. મકાનમાલિકે જ્યારે ભાડાકરાર માટે કહ્યું ત્યારે કીર્તિ સતત બહાના બનવતી રહેતી! આ દરમિયાન કીર્તિ પટેલ અનેક વખત જેલમાં ગઈ હોવાથી મકાનમાલિકે ફ્લેટ ખાલી કરવા માટે કહ્યું હતું. પરંતુ કીર્તિ પટેલે ફ્લેટ ખાલી ના કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

જેથી હવે પુણા પોલીસે મકાનમાલિક મંજુલાબેનની ફરિયાદ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020’ની કલમ 4(3), 5(ચ) તથા ઇ.પી.કો. કલમ 506(2) મુજબ કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે. હવે આ કેસની તપાસ 'બી' ડિવિઝનના ACP પી.કે. પટેલને સોંપવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મૂળ વાત એ છે કે એક કેસમાં તો ધરપકડ કરવામાં આવી છે, તેવામાં હવે બીજો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેથી કીર્તિ પટેલની તકલીફ વધી શકે છે.