Thu Sep 03 2026

Logo

ચૂંટણી ટાણે જ ખેડા જિલ્લા બેંકમાં રોકડની તંગીથી દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં! વિપક્ષના સવાલ

2026-04-23 18:02:37
Author: Devayat Khatana
ચૂંટણી ટાણે જ ખેડા જિલ્લા બેંકમાં રોકડની તંગીથી દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં! વિપક્ષના સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ. (કેડીસીસી) દ્વારા ખેડા જિલ્લામાં રોકડની તીવ્ર અછત હોવાની અપીલ કરી હતી, જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની હતી. 
 
મળતી વિગતો અનુસાર, કેડીસીસી દ્વારા બેંકના તમામ ખાતેદારો અને ખાસ કરીને દૂધ ઉત્પાદકો માટે એક મહત્વનો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. બેંકે જણાવ્યું છે કે અત્યાર સુધી અર્બન બેંકો અને જીસીએસ બેંકના સહકારથી દૂધ મંડળીના સભાસદો સુધી રોકડ પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં રોકડની ઉપલબ્ધતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

આ સમસ્યાના ઉકેલ માટે બેંક દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જાણ કરવામાં આવી છે અને નવી રોકડની માંગણી પણ કરી દેવામાં આવી છે. બેંક સત્તાધીશોએ જણાવ્યું હતું કે જે મુજબ રોકડ ઉપલબ્ધ થશે, તે તાત્કાલિક ધોરણે શાખાઓ સુધી પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી તમામ ખાતેદારોને સંયમ જાળવવા અને બેંકને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. 

આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, સહકારી બેન્કનો ખુલાસો ખૂબ વિચિત્ર છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તિજોરીમાં રોકડ નથી કે પછી ચૂંટણીના ફંડમાં હોમાઈ ગઈ? ચૂંટણી અને સહકારી બેંકની રોકડને શું લેવાદેવા? વોટની સીઝનમાં નોટ ગાયબ આ તો કેવુ? શું ચૂંટણીપંચે બેંકોની તિજોરીમાં તાળા મારી દીધા છે? તેમ સવાલો ઉઠાવ્યા હતા.