Tue Jul 28 2026

Logo

ગુજરાત ભાજપમાં પાછો ડખો ક્યા ધારાસભ્ય સંકલન સમિતીની બેઠકમાં ગેરહાજર?

2026-01-17 15:23:00
Author: Himanshu Chawda
Article Image

વડોદરા: દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાતી હોય છે. આજે વડોદરા ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. અગાઉ વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ અધિકારીઓની મનમાનીને લઈને મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો. ત્યારે હવે સંકલન સમિતિની બેઠકમાં ગેરહાજર રહીને ધારાસભ્યોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે, એવું રાજકીય સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. 

સંકલન સમિતિની બેઠકમાં કોણ ગેરહાજર રહ્યું 

વડોદરા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં માત્ર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા જ હાજર રહ્યા હતા. જ્યારે બાકીના તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. ધારાસભ્યોની ગેરહાજરીને લઈને શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, "મારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી, બાકીના ધારાસભ્યો કેમ નથી આવ્યા તે અંગે મને ખબર નથી."

મળતી માહિતી મુજબ, વડોદરા ખાતેની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગેરહાજર રહ્યા હતા. 'પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેતન ઈનામદારે બેઠકમાં હાજર નહી રહે.' એવો મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સંકલન સમિતિમાં પોતાની ગેરહાજરીને લઈને ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યું હતું કે, "જો બેઠકોમાં માત્ર ચર્ચા જ થતી હોય અને કોઈ નક્કર પરિણામ ન આવતું હોય, તો આવી બેઠકોમાં હાજરી આપવાનો કોઈ અર્થ નથી."