- ઉમેશ ત્રિવેદી
કૃષ્ણ કુમાર મેનન તરીકે નહીં, પણ કેકે મેનન તરીકે બોલિવૂડની ફિલ્મોમાં નામના મેળવનાર આ કલાકારે ખૂબ જ લાંબી મજલ કાપી છે એમ કહીએ તો એમાં કાંઈ જ ખોટું નથી. કેકે મેનને હિન્દી ઉપરાંત ગુજરાતી, તમિળ, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કરીને પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે.
ટૂંક સમયમાં જ કેકેની ઓટીટી સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’ શરૂ થવાની છે. ફિલ્મો ઉપરાંત ટી. વી. સિરિયલો અને ઓટીટી પર રજૂ થનારી સિરીઝ બધામાં જ કેકે રીતસરનો અભિનયનો જાદુ પાથરે છે. અમિતાભ બચ્ચન-સંજય દત્ત (દીવાર), વરુણ ધવન (એબીસીડી), અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન (સરકાર), ફરદીન ખાન-ફિરોઝ ખાન (એક ખિલાડી એક હસીના), ધર્મેન્દ્ર-શિલ્પા શેટ્ટી, શાઈની આહુજા-ઈરફાન ખાન (લાઇફ ઇન અ મેટ્રો), નીલ નીતિન મુકેશ, દિપીકા પદુકોણ (લફંગે પરિન્દે), અક્ષય કુમાર-અનુપમ ખેર-તાપસી પન્નુ (બેબી), ટાઇગર શ્રોફ-જેકલીન ફર્નાન્ડીઝ (અ ફ્લાઇંગ જાટ) જેવી ફિલ્મોમાં નેગટિવ ભૂમિકાઓ કરીને અને ઘણી ફિલ્મોમાં પૉઝિટિવ ભૂમિકા કરીને પણ કેકે છવાઈ ગયો છે.
1995થી બોલિવૂડની સાથે જ ટી. વી. પર પણ શરૂઆત કરનારા કેકેનો જન્મ કોઝિકોડે-કેરળના એક મલયાલી કુટુંબમાં થયો છે. એનો ઉછેર મહારાષ્ટ્રના પૂણે અને અંબરનાથમાં થયો છે. તેણે શાળાનું શિક્ષણ પૂનામાં લીધું છે અને મુંબઈ યુનિવર્સિટીમાંથી તેણે ફિઝિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ 1988માં તેણે પૂના યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.
તેણે શરૂઆતમાં કાઈનેટિક હોન્ડા અને માર્લબોરો સિગારેટ જેવી બ્રાન્ડમાં મોડેલિંગ કર્યું હતું. ફિરોઝ અબ્બાસ ખાનના નાટક ‘મહાત્મા વર્સિસ ગાંધી’થી તેણે નાટકમાં અભિનયની શરૂઆત કરી હતી. આ નાટક દરમિયાન જ તેની ઓળખાણ નિવેદિતા ભટ્ટાચાર્ય સાથે થઈ અને આ મુલાકાત પ્રેમમાં પરિણમી અને 2002માં બન્ને પરણી ગયાં...
કારકિર્દીની શરૂઆતમાં તેણે ટી. વી. પર ઘણું કામ કર્યું છે. જેમાં ઝી ટીવીની રિશ્તે, સેટરડે સસ્પેન્સ, ઝી ટીવી જ પ્રધાનમંત્રી જેવી સિરિયલોનો સમાવેશ થાય છે. કેતન મહેતા દિગ્દર્શિત ‘પ્રધાનમંત્રી’ સિરિયલથી તેના અભિનયનાં વખાણ થવા લાગ્યાં અને ધીમે-ધીમે તે અભિનેતા તરીકે સ્થાપિત થતો ગયો હતો. એ જ દરમિયાન એટલે કે 1995માં તેને ‘નસીમ’ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા મળી હતી, પણ તેની કારકિર્દીની ખરી શરૂઆત સન, 2000થી થઈ એમ કહી શકાય.
અનુરાગ કશ્યપની ‘પાંચ’ ફિલ્મમાં તેને સારી ભૂમિકા મળી હતી, પણ આ ફિલ્મ સેન્સરશિપમાં અટવાય અને રિલીઝ ન થઈ. આ જ દરમિયાન તેને ‘હજારો ખ્વાહિશે ઐસી’ અને ‘બ્લૅક ફ્રાઇડે’ જેવી ફિલ્મ પણ મળી હતી. જોકે, આ ફિલ્મોની રિલીઝ પણ લંબાઈ ગઈ હતી. ત્યાં જ 2004માં તે ‘દીવાર’ અને ‘સિલસિલે’ જેવી ફિલ્મો આવી. એકમાં અમિતાભ બચ્ચન- સંજય દત્ત-અક્ષય ખન્ના જેવું કલાકારો સામે તેને મુખ્ય વિલન જેવી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી તેની ઓળખ જામી ગઈ અને ત્યાર બાદ તેને સારી ભૂમિકાઓ-મોટી ભૂમિકાઓ મળવા લાગી.
2005માં રામગોપાલ વર્મા દિગ્દર્શિત ‘સરકાર’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન-અભિષેક જેવા કલાકારોની વચ્ચે પણ કે કેનું કામ વખણાયું હતું. આ ફિલ્મ બાળ ઠાકરે આધારિત હોવાનું કહેવાય છે, જેમાં કેકેએ અમિતાભના મોટા પુત્રની ભૂમિકા ભજવી હતી. ફિલ્મોની સાથે જ કેકેએ ઓટીટીની સિરીઝમાં કામ કરવાનું શરૂ કર્યું. 2020માં તેની ‘સ્પેશ્યલ ઓપ્સ’ નામની નીતેજ પાંડેની સિરીઝ આવી. એમાં મુખ્ય ભૂમિકા હતી. 2020માં આવેલી આઠ એપિસોડની આ સિરીઝમાં કેકે હિમ્મતસિંહની ભૂમિકામાં રીતસરનો જમી ગયો હતો અને લોકોને એ પણ ખૂબ ગમી હતી. તેના પગલે 2021માં તેની બીજી સીઝન આવી ‘સ્પેશ્યલ ઓપ્સ 1.5 ધ હિમ્મત સ્ટોરી’ એ પણ ખૂબ લોકપ્રિય થઈ હતી. ત્યાર પછી ફર્ઝી, બમ્બઈ મેરી જાન, રેલવે મેન, મુર્શિદ જેવી સિરીઝમાં તેને મુખ્ય ભૂમિકા મળી હતી.
વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુની ‘સિટાડેલ-હની બની’માં કેકે ફરી અલગ પાત્રમાં ઊપસી આવ્યો હતો. હવે તેની ‘આદર્શ બાલ વિદ્યાલય’ શરૂ થઈ ચૂકી છે. તેમાં કેકેની જ મુખ્ય ભૂમિકા છે. આમાં તેની સાથે અર્ચના પૂરન સિંહ, પ્રાચી શાહ, અભિમન્યુ સિંહ અને દેવેન ભોજાણી જેવાં કલાકારો છે.
કેકેએ શરૂઆતથી જ વિવિધતાસભર ભૂમિકાઓ કરવા પર ધ્યાન આપ્યું છે અને આ વાત તેણે ફિલ્મો, ટી. વી. સિરિયલ, ઓટીટી બધામાં જ ધ્યાનમાં રાખી છે. પરિણામે આજે કેકેએ બોલિવૂડમાં પોતાનું અલગ જ સ્થાન ઊભું કર્યું છે. અભિનયમાં સતત આગળ વધનારા કેકેને એની લગભગ 30 વર્ષની કારકિર્દીમાં નસીબે પણ સારો સાથ આપ્યો છે. એના માટે બીજું મહત્ત્વનું અને સારું પાસું એ છે કે તે કોઈ દિવસ કોઈ પણ પ્રકારના વિવાદમાં ફસાયો નથી. તેને બસ પોતાના કામમાં જ રસ છે અને તેને જે ભૂમિકા મળે તેમાં તે કેટલી નવીનતા લાવી શકે એમ છે તેનાં પર જ ધ્યાન આપે છે.
ઘઝઝનું હોટસ્પોટ
આ અઠવાડિયાની સૌથી મોટી હાઇલાઇટ એ ‘રિયાલિટી શો’ જેવો ‘ભોજપુરી બવાલ’ નામનો શો છે. આ શોમાં ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર જોઈ શકાશે, જેમાં દિનેશ લાલ યાદવ, પવન સિંહ, આમ્રપાલી દુબે, તેજપ્રતાપ યાદવ જેવાં કલાકારોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ‘જિયો હૉટસ્ટાર’ અને ‘કલર્સ’ ચૅનલ પર બીજી ઑગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આવો, હવે આપણે બીજી ઓટીટી ચૅનલ પર અઠવાડિયામાં શું રજૂ થસે એના પર એક નજર નાખીએ.
નેટફ્લિક્સ:
અહીં સાત ઑગસ્ટે ‘ઑપરેશન સફેદ સાગર’ જોઈ શકાશે. આ સિરિયલ કારગિલ યુદ્ધ આધારિત છે. એના મુખ્ય કલાકારો છે જિમ્મી શેરગીલ, સિદ્ધાર્થ, દિયા મિર્ઝા, પ્રાજક્તા કોળી, આદિલ હુસૈન તથા અન્ય. અહીં જ સાત ઑગસ્ટે સાયન્સ ફિક્શન થ્રિલર ‘ધ લાસ્ટ હાઉસ’ જોવા મળશે. આ સિવાય છ ઑગસ્ટે ‘માય લાઇફ વિથ ધ વોલ્ટર બોટઝ’ અને 31 જુલાઈએ (આજે શુક્રવારે) ‘ગટ્ટા કુશ્તી’ નામની સાઉથની ફિલ્મ જોઈ શકાશે.
ઝી ફાઈવ:
અહીં આજે શુક્રવાર 31 જુલાઈ ડેવિડ ધવન દિગ્દર્શિત ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું પ્રસારણ શરૂ થશે. ફિલ્મનાં મુખ્ય કલાકારો વરુણ ધવન, પૂજા હેગડે, મૃણાલ ઠાકુર, મૌની રૉય, જિમ્મી શેરગીલ, મનીષ પોલ, રાકેશ બેદી અને ચંકી પાડે છે. આ સિવાય આજે શુક્રવારે સાયકો થ્રિલર ‘બાલન બૉય’ પણ જોઈ શકાશે.
એમેઝોન પ્રાઈમ:
અહીં પાંચ ઑગસ્ટે અંગ્રેજી સિરીઝ ‘સ્ટર્લિંગ પૉઇન્ટ’નું પ્રસારણ શરૂ થશે. અને આજે 31 જુલાઈએ ઍનિમેશન ઍક્શન સિરીઝ ‘બેટમેન-કેપ્ડ ક્રુસેડની બીજી સીઝન શરૂ થશે.
સોની લીવ:
અહીં આજથી 31 જુલાઈથી ઍનિમેશન સિરીઝ ‘ધ લિજેન્ડ ઑફ કર્ણ’ શરૂ થઈ રહી છે.