નેપાળની રાજધાનીમાં ધર્મસ્થાનો પર્યટન સ્થળ છે
કામિની શ્રોફ
હિમાલયની ગોદમાં વસેલા નેપાળે છેલ્લાં પચીસ વર્ષમાં ગજબનાક ઉથલપાથલ જોઈ છે. 2006 સુધી વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં 2006માં રાજાશાહીના અંત પછી 2015માં નવું બંધારણ આવતા હવે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. હવે ફરીથી હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણી થઈ રહી છે.
2001ની પહેલી જૂનના દિવસે પારિવારિક ડિનર વખતે પાટવી કુંવર દીપેન્દ્રએ રાજા-રાણી સહિત પરિવારના નવ સભ્યોની ગોળી મારી હત્યા કરી હતી. આંતરિક વિગ્રહ, રાજશાહીનો અંત અને ગયા વર્ષે જેન ઝીના તીવ્ર અને હિંસાત્મક આંદોલનનાં પગલે વડા પ્રધાને રાજીનામુ આપવું પડ્યું હતું.
અમારા તાજેતરના નેપાળ પ્રવાસ દરમિયાન જ રેપર-એન્જિનિયર બલેન્દ્ર શાહ દેશના સૌથી યુવા (35 વર્ષ) વડા પ્રધાન બન્યા હતા. દુનિયાના સૌથી ગરીબ દેશોમાં સ્થાન ધરાવતું નેપાળ આર્થિક મદદ અને ટૂરિઝમ પર નભે છે. આ દેશની રાજધાની કાઠમંડુ મંદિરોના મહાનગર જેવી છે.
પશુપતિનાથ અને ગુહ્યેશ્વરી શક્તિપીઠ
ઉત્તરમાં કેદારનાથ અને દક્ષિણમાં રામેશ્વર સહિત 12 જ્યોતિર્લિંગ આપણા દેશમાં છે. ભારત બહારના જ્યોતિર્લિંગમાં નેપાળના પશુપતિનાથનું સૌથી વધુ માહાત્મ્ય છે. બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી 13મા જ્યોતિર્લિંગ માનવામાં આવતા પશુપતિનાથના દર્શન થયા પછી શ્રદ્ધાળુઓ ધન્યતાનો અનુભવ કરે છે.
હકીકતમાં બે પશુપતિનાથ છે. એક છે આપણા દેશના મધ્ય પ્રદેશની શિવના નદીના તટ પર મંદસૌરમાં, પણ બાગમતી નદીના કિનારે આવેલું નેપાળનું પશુપતિનાથ વધુ જાણીતું છે. વિશાળ પરિસરમાં સ્થિત આ મંદિરની અનેક વિશેષતા છે, જેમાં ચતુર્મુખી શિવલિંગ મન હરી લે છે. શિવજીના ચાર ચહેરામાંથી દરેકના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. મુખ્યત્વે ભારત, બાંગ્લાદેશ અને સ્થાનિક નેપાળી લોકોની સંખ્યા અહીં મહત્તમ હોય છે. શિવરાત્રી અને એકાદશીએ અહીં ભાવિકોનો મહાસાગર ઉમટે છે.
જોકે, વર્ષમાં ત્રણ વખત અહીં આવતા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુનર્મિલનના પ્રતીકરૂપે ઉજવાતા મહિલાઓ દ્વારા કરવામાં આવતી ‘તીજ ઉજવણી’ વખતે અહીંનું દ્રશ્ય જોવા જેવું હોય છે. તીજના ત્રણ પ્રકાર પૈકી ‘હરતાલિકા તીજ’ હોય ત્યારે મંદિરનું સમગ્ર સંકુલ લાલ સમુદ્ર લાગે છે. શુકનવંતી લાલ સાડી પહેરી પતિના ક્ષેમકુશળ, સિદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી સન્નારીઓના રાતા સમુદ્રને જોવો એક લહાવો છે.
પશુપતિનાથથી માત્ર એક કિલોમીટર દૂર ગુહ્યેશ્વરી શક્તિપીઠ આવેલી છે. 51 શક્તિપીઠ પૈકી આ એક શક્તિપીઠના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવે છે. ગુહ્યેશ્વરી શક્તિપીઠ 2500 વર્ષ જૂનું છે. 17મી સદીમાં રાજા પ્રતાપ મલ્લાએ એનું પુનર્નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ અન્ય રાજાએ હાલ નજરે પડતા પેગોડા શૈલીમાં બનેલા મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો હતો.
સ્વયંભૂનાથ
કાઠમંડુમાં પશુપતિનાથ પછી જો કોઈ ધાર્મિક સ્થળ માટે સહેલાણીઓમાં ઉત્સુકતા હોય તો એ સ્વયંભૂનાથ છે. ટેકરી પર આવેલા આ બૌદ્ધ સ્તૂપ પર પહોંચતા જ શાંતિનો અનુભવ થાય. વાતાવરણ જ એવું કે બે હાથ આપોઆપ જોડાઈ જાય. એવી વાયકા છે કે બે હજાર વર્ષ પહેલા આદિકાળના સરોવરમાંથી કાઠમંડુ ખીણ પ્રદેશ વિકસ્યો એમાં સ્વયંભૂ બૌદ્ધ સ્તૂપ આપમેળે પ્રગટ થયો.
નેપાળનો આ સૌથી પ્રાચીન સ્તૂપ છે અને આસપાસ ઘણી દેરી અને મઠની હાજરી વાતાવરણને પવિત્ર બનાવી દે છે. દિવસ દરમિયાન હિંદુઓ અને બૌદ્ધો અહીં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે અહીં વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળે છે. સ્વયંભૂની પૂર્વ દિશાએ સોનાનો ઢોળ ચડાવેલું વજ્ર છે તો પશ્ર્ચિમ દિશાએ બુદ્ધની મનોહર પ્રતિમા છે. વજ્ર સમગ્ર વિસ્તારનું રક્ષણ કરતું હોવાની માન્યતા છે. એક કક્ષમાં સ્લિપિંગ બુદ્ધા-પરિનિર્વાણ અવસ્થામાં જોવા મળે છે. એકંદરે ‘બુદ્ધમ શરણં ગચ્છામિ’નો અનુભવ થાય છે.
હનુમાનઢોકા દરબાર સ્કવેર
કાઠમંડુના મધ્ય ભાગમાં આવેલા આ વિસ્તારમાં હિન્દુ મંદિરો, બૌદ્ધ મઠ તેમજ રાજ પરિવારના મહેલ અને દરબારની જગ્યા જોવા મળે છે. 1672માં તત્કાલીન રાજા પ્રતાપ મલ્લાએ રાજમહેલ ના પ્રવેશદ્વાર પર હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કર્યું હોવાથી એને હનુમાનઢોકા (નેપાળી ભાષા માં ઢોકા એટલે દ્વાર-દરવાજો) નામ મળ્યું છે. આ દરબાર સ્કવેરમાં મંદિરો અને મહેલ છે.
કાષ્ઠમંડપ
નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે એને કાષ્ઠ એટલે કે લાકડા સાથે સંબંધ છે. લાકડાનો મંડપ અથવા લાકડાનું બનેલું આશ્રયસ્થાન એવી સ્પષ્ટતા નેપાળી ગાઈડે કરી. આ કાષ્ઠમંડપ તેરમી સદીમાં રાળના એકમાત્ર વૃક્ષમાંથી બાંધવામાં આવ્યું હોવાની વાયકા છે. વર્ષો સુધી સહેલાણીઓ ના માનીતા રહેલા આ સ્થળ પર ભાવિકો સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક ઉત્સવ માટે એકઠા થતા હતા. ત્યારબાદ રાજવી પરિવારના અધિષ્ઠાતા ગોરખનાથનું મંદિર અહીં સ્થાપવામાં આવ્યું હતું. ગાઈડે આપેલી જાણકારી અનુસાર મંદિરમાં ગોરખનાથની મૂર્તિ છે.
મોટેભાગે તેમના પાદચિહ્ન જ જોવા મળતા હોય છે. જોકે, 2015ના વિનાશકારી ભૂકંપમાં મોટાભાગના ધર્મસ્થાન ઉદ્ધ્વસ્ત થઈ ગયા હતા. આપણા દેવ આનંદના અંગત મિત્ર એવા નેપાળના રાજા મહેન્દ્રના સહકારને કારણે દેવ આનંદએ ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’ના હિપ્પી સોન્ગ ‘દમ મારો દમ’નું પિક્ચરાઈઝેશન કાષ્ઠમંડપમાં કર્યું હતું.
શૂટિંગ દરમિયાન ચિલમના ધુમાડા, હિપ્પી ડાન્સ અને કિસિંગ સીન જેવી બાબતો નજરે પડતા ‘ધ રાઈઝિંગ નેપાલ’ અખબારના સંપાદકીય લખાણમાં દેવસ્થાન ભ્રષ્ટ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચેતી ગયેલા દેવસાબે તરત પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમની સમજાવટ અને ચાર્મિંગ સ્માઈલના જાદુને કારણે એક દિવસ માટે વિલન બની ગયેલા દેવ આનંદને બીજે દિવસે બધા અખબારોએ ફરી હીરો બનાવી દીધા હતા. કાષ્ઠમંદિરની જાણકારી આપતી વખતે ધાર્મિક માહિતીની સાથે સાથે ફિલ્મી એન્ગલ પણ સવિસ્તાર રજૂ કરવામાં આવે છે.
ઢંકાઈ ગયેલા ચહેરાવાળી હનુમાનદાદાની મૂર્તિ:
1672માં રાજા પ્રતાપ મલ્લા દ્વારા સ્થાપવામાં આવેલી હનુમાનદાદાની આ મૂર્તિમાં આમ તો કશું અસામાન્ય નથી, પણ એના દેખાવને કારણે એ અસામાન્ય બની ગઈ છે. વાત એમ છે કે મૂર્તિમાં દાદાનો ચહેરો જ નજરે નથી પડતો. કેમ? અલગ અલગ બે સ્પષ્ટતા જાણવા મળી. કોઈ એક સ્વીકારવી કે બંને માની લેવી એ અંગત બાબત છે. જાતે નક્કી કરી લેવું.
પહેલું કારણ એવું આપવામાં આવ્યું કે બે ત્રણ સૈકાથી ભક્તજનો દાદાની મૂર્તિ પર સતત સિંદૂર ચડાવતા હોવાથી એ સિંદૂરના થરમાં હનુમાનજીનો ચહેરો ઢંકાઈ ગયો અને ચહેરાવિહીન લાગતી મૂર્તિ આપણી સામે આજે ઊભી છે. બીજું કારણ એવું આપવામાં આવ્યું કે દાદાની મૂર્તિથી થોડા અંતરે નકશીકામ કરેલી કામુક પ્રતિમાઓ છે. હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાથી તેમને આ મૂર્તિ ન દેખાય એ કારણસર એમનો ચહેરો ઢંકાઈ ગયો છે.