Sat Apr 18 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા ક્રૂડ ઓઈલના ભાવ ગબડ્યા, અમેરિકન શેર માર્કેટમાં તેજી

washington dc   2026-04-17 22:13:16
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટન: દુનિયાભરના રાષ્ટ્ર માટે એક રાહતના સમાચાર મળ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના અહેવાલ પછી ક્રૂડ ઓઈલની કિંમતમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના નિવેદન બાદ આ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે ખૂલી ગયું છે. હોર્મુઝ ખૂલ્યાના સમાચાર પછી બ્રેંટ ક્રૂડમાં આશરે 10 ટકાનો સીધો ઘટાડો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલનો નવો ભાવ 89.12 ડૉલર પ્રતિ બેરલ પહોંચ્યો છે. 

અમેરિકાના શેર માર્કેટમાં તેજી
આ સાથે અમેરિકાના શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાના ત્રણ મુખ્ય ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. એસએન્ડપી તેજી જોવા મળી. આ સિવાય ડાઉ જોંસમાં 625.82 અંક એટલે કે 1.34 ટકાનો વધારો જોવા મળ્યો છે. ટેક કંપનીઓ વાળો ઈન્ડેક્સ નેસ્ડેક 249.58 અંક એટલે કે 1.04 ટકા ઉપર ટ્રેન્ડ કરી રહ્યો હતો. 

સોશિયલ મીડિયા પર ટ્રમ્પે એક પોસ્ટ લખી હતી કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે સંપૂર્ણ રીતે ખૂલી ગયો છે. આ જળમાર્ગ વ્યાપાર અને જહાજની અવરજવર માટે તૈયાર છે. ઈરાન સામે નૌસૈનિક નાકાબંધી યથાવત રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે જ્યાં સુધી ડીલ પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી આ નાકાબંધી યથાવત રહેશે. 

સૌથી મહત્ત્વનો તેલરૂટ ફરી શરૂ
આ પ્રક્રિયા હવે ટૂંક જ સમયમાં પૂરી થઈ જવી જોઈએ કારણ કે, મોટા ભાગની વાત પહેલા નક્કી થઈ ચૂકી છે. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ સૌનો આભાર.દુનિયાના સૌથી મહત્ત્વના તેલ રૂટમાં હોર્મુઝ પ્રથમ ક્રમે આવે છે. આ જ જળમાર્ગનો ઉપયોગ કરીને દુનિયાભરના રાષ્ટ્રમાં ક્રૂડ ઓઈલ પહોંચે છે. હોર્મુઝ બંધ થતા અને યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો હતો. હવે હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જતા સપ્લાયમાં કોઈ પ્રકારનું વિધ્ન નથી. 

ગેસમાં ભાવ ઘટશે? એની ચર્ચા
હોર્મુઝ જળમાર્ગ ખૂલી જતા ક્રૂડ ઓઈલના ભાવ ગગડ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી ગયા છે. આવનારા દિવસોમાં આની એક અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર દેખાશે એવી પૂરી શક્યતાઓ છે. માર્કેટ ટ્રેન્ડ પર એ નિર્ભર કરે છે. માર્કેટમાં પણ રાહતના શ્વાસ રોકાણકારો લઈ રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા બાદ હવે ગેસમાં ભાવ ઘટશે કે નહીં એના પર જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે.