Tue Oct 06 2026

Logo

ક્રૂડ તેલની તેજી સાથે સેન્સેક્સ 1248 પૉઈન્ટ પટકાયો, નિફ્ટીએ 383 પૉઈન્ટના ઘટાડા સાથે 23,100ની સપાટી ગુમાવી

2026-09-24 20:58:00
Author: Ramesh Gohil
ક્રૂડ તેલની તેજી સાથે સેન્સેક્સ 1248 પૉઈન્ટ પટકાયો, નિફ્ટીએ 383 પૉઈન્ટના ઘટાડા સાથે 23,100ની સપાટી ગુમાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં 2.36 ટકા જેટલો ઝડપી ઉછાળો આવી જતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બૅન્કિંગ ક્ષેત્રનાં શૅરોમાં વ્યાપક વેચવાલી રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 1247.71 પૉઈન્ટ પટકાઈ ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 383.70 પૉઈન્ટ ઘટી આવ્યો હતો અને 23,100ની સપાટી ગુમાવી હતી. વધુમાં આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક બજારમાં પણ રોકાણકારોનું માનસ ખરડાતા વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઈન્ડિયા (ઈરડાઈ) દ્વારા  વહીવટી ખર્ચની મર્યાદામાં ઘટાડો અને કમિશન પરનાં કડક નિયંત્રણો સહિતનાં વીમા વિતરણના માળખામાં ફેરફાર પ્રસ્તાવિત કરવામાં આવ્યાના અહેવાલો સાથે વીમા કંપનીઓ અને અન્ય સંબંધિત નાણાકીય મધ્યસ્થીઓની કમાણી તથા વિતરણના આર્થિક પાસાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં ઈન્સ્યોરન્સ અને ફાઈનાન્સ કંપનીઓના શૅરમાં વેચવાલી વધી હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 74,828.25ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 74,272.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 73,563.92 અને ઉપરમાં 74,362.29ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 1.67 ટકા અથવા તો 1247.71 પૉઈન્ટના કડાકા સાથે 73,580.54ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,446.80ના બંધ સામે ઘટીને 23,221.80ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,046.15 અને ઉપરમાં 23,281.95ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 1.64 ટકા અથવા તો 383.70 પૉઈન્ટ ઘટીને 23,063.10ના મથાળે બંધ રહ્યો હતો. આજેે બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 2.36 ટકાના ઉછાળા સાથે બેરલદીઠ 105.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

દરમિયાન આજે બીએસઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જના શૅરનું શૅરદીઠ રૂ. 1785ના ઈશ્યૂ ભાવ સામે રૂ. 1800ના ભાવથી લિસ્ટિંગ થયા બાદ સત્રના અંતે ભાવ ઈશ્યૂ ભાવ સામે 1.85 ટકા વધીને શૅરદીઠ રૂ. 1818ના મથાળે બંધ રહ્યો હતો. તેમ જ તેનું માર્કેટ વૅલ્યુએશન્સ રૂ. 4.49 લાખ કરોડની સપાટીએ રહ્યું હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

એકંદરે આજે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં વધારાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં તીવ્ર બાઉન્સબૅક જોવા મળતાં બજાર નોંધપાત્ર ઘટાડા સાથે ખુલ્યું હતું અને બન્ને બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.50 ટકા કરતાં વધુ માત્રામાં ધોવાણ થયું હોવાનું ઓનલાઈન વૅલ્થ ટેક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. આજે અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ વધીને 5.11 ટકાની સપાટીએ પહોંચી હતી, જ્યારે 30 વર્ષીય બૉન્ડની યિલ્ડ વર્ષ 2004 પછીની સર્વોચ્ચ સપાટીએ રહી હોવાથી વૈશ્વિક નાણાકીય સ્થિતિ વધુ તંગ રહેવાની અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં બજાર વધુ દબાણ હેઠળ આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
ક્રૂડ તેલના ભાવ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડના બાઉન્સબૅક જોવા મળતાં નાણાં સ્થિતિ તંગ રહેવાની સાથે ક્રૂડતેલના ભાવ વધતા ફુગાવો વધવાનું જોખમ સપાટી પર આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ વધારો કરે તેવી ભીતિ તથા આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની શક્યતાએ રોકાણકારોનું માનસ ખરડાઈ જતાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. જોકે, આજે મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત ઈન્સ્યોરન્સ અને બૅન્કિંગ ક્ષેત્રમાં નફા દબાણ હેઠળ આવવાની શક્યતાને ધ્યાનમાં લેતાં વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 
બીએસઈ ખાતે આજે કુલ 4573 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2884 શૅરના ભાવ ઘટીને, 1473 શૅરના ભાવ વધીને અને 216 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ 147 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 99 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના શૅરો પૈકી એકમાત્ર એનટીપીસીના શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આ સિવાયના તમામ શૅરોના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 5.47 ટકાનો ઘટાડો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એક્સિસ બૅન્કમાં 4.67 ટકાનો, બજાજ ફિનસર્વમાં 4.06 ટકાનો, ઈન્ડિગોમાં 2.79 ટકાનો, ટ્રેન્ટમાં 2.75 ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.31 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે બીએસઈ મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 3.12 ટકાનો અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 1.19 ટકાનો કડાકો બોલાયો હતો. તેમ જ બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 2.81 ટકાનો, હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 2.56 ટકાનો, ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સમાં 2.33 ટકાનો, ઈન્સ્યોરન્સ ઈન્ડેક્સમાં 2.20 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં2.13 ટકાનો, બૅન્કેક્સમાં 1.88 ટકાનો, પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 1.85 ટકાનો, ટોપ ટેન બૅન્ક ઈન્ડેક્સમાં 1.74 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.65 ટકાનો અને સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.43 ટકાનો ઘટાડો આવ્યો હતો. 
આજે એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 225 સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું.