નવી દિલ્હીઃ આજથી 18 વર્ષ પહેલા એટલે કે 18 એપ્રિલ, 2008નો દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા માટે યાદ રાખવામાં આવશે. આ દિવસે ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ હતી. આ ટી20 લીગ જ્યારે શરૂ થઈ ત્યારે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે આટલી સફળ થશે.
આઈપીએલનો પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયો હતો. બેંગ્લૂરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાબલો રમાયો હતો. આ મેચમાં ન્યૂ ઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી બ્રેંડન મેક્કુલમે વિસ્ફોટ ઈનિંગ રમી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓપનિંગ કરતાં તેણે 37 બોલમાં અણનમ 158 રન ફટકાર્યા હતા. તેણ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગા માર્યા હતા.
મેક્કુલમની આતશબાજી સામે આરસીબીના બોલર્સ લાચાર હતા. તેની ઐતિહાસિક ઈનિંગના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 3 વિકેટ પર 222 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ માત્ર 80 રનમાં જ ખખડી ગયું હતું અને 140 રનથી કારમો પરાજય થયો હતો. આ મેચમાં આરસીબીની કેપ્ટનશિપ રાહુલ દ્રવિડ કરતો હતો, જ્યારે કોલકાતાની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી.
રાજસ્થાને જીત્યો હતો ખિતાબ
આઈપીએલની પ્રથમ સીઝન ઘણી રોમાંચક રહી હતી. રાજસ્થાન રોયલ્સે તમામને ચોંકાવીને ખિતાબ જીત્યો હતો. શેન વોર્નની કેપ્ટનશિપમાં રાજસ્થાને ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટથી હાર આપી હતી. આ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ ધોની કરતો હતો.
IPL માત્ર ક્રિકેટ નથી, પરંતુ તે રમતગમત, ગ્લેમર, બિઝનેસ અને મનોરંજનનું મિશ્રણ છે. આ લીગ પાછળ લલિત મોદીની વિચારધારા હતી. તેમણે ક્રિકેટને એક નવા અંદાજમાં રજૂ કર્યું અને જોતજોતામાં IPLએ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. પ્રથમ સીઝનની હરાજી પણ ઘણી ચર્ચામાં રહી હતી. તે સમયે ધોની સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ હતા અને તેમને અંદાજે 15 લાખ ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો.
IPL વિવાદોમાં પણ ઘેરાયું
જોકે, IPLની સફર સંપૂર્ણપણે વિવાદોથી મુક્ત રહી નથી. વર્ષ 2010ની ફાઈનલ પછી લલિત મોદીને BCCIમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમના પર નાણાકીય ગેરરીતિ અને આર્થિક અનિયમિતતાઓ જેવા ગંભીર આરોપો લાગ્યા હતા. ત્યારબાદ વર્ષ 2013માં IPLનો સૌથી મોટો વિવાદ સામે આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. તો બીજી તરફ, તે સમયના BCCI પ્રમુખ એન. શ્રીનિવાસનના જમાઈની ગેરકાયદે સટ્ટાબાજીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.