Fri Apr 17 2026

Logo

રામગોપાલ વર્માને મહિના પછી 'ધુરંધર-ધ રીવેન્જ' ફિલ્મમાં ભૂલ દેખાઈ, અત્યાર સુધી પ્રશંસાના પોટલા બાંધ્યા

2026-04-17 19:06:10
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મનિર્માતા રામગોપાલ વર્માએ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર-ધ રીવેન્જ'ના જોરશોરથી વખાણ કર્યા બાદ હવે ભૂલ ગણાવી છે. આ ફિલ્મ રીલિઝ થયાને એક મહિના જેટલો સમય થયા બાદ હવે ફિલ્મનિર્મતાએ આ ફિલ્મમાં ભૂલ શોધી કાઢી છે. જે ભૂલ તેમણે દર્શાવી છે એ જાહેર કર્યા બાદ અનેક ફેન્સ એમના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.બોલિવૂડમાંથી ઘણાય કલાકારો તથા ફિલ્મનિર્માતાએ વખાણ કર્યા છે. એવામાં રામગોપાલ વર્માએ પહેલા ખોબલે ખોબલે વખાણ કર્યા બાદ ફિલ્મમાંથી ભૂલ શોધી કાઢી છે. 

વખાણ કર્યા બાદ ભૂલ દેખાઈ

'ધુરંધર-ધ રીવેન્જ' અને 'ધુરંધર' આ બન્ને ભાગે બોક્સઓફિસ પર કમાણીના મામલે ઈતિહાસ બનાવી લીધો છે. બોલિવૂડની એક ઐતિહાસિક ફિલ્મ બની ચૂકી છે. 'ધુરંધર' કરતા 'ધુરંધર-ધી રીવેન્જ' ફિલ્મે લોકો પર એક પ્રભાવ પાડ્યો છે. આ ફિલ્મને લઈને હવે રામગોપાલ વર્માનો જોશ એક અલગ દિશામાં જોવા મળ્યો છે. હાલ આ ફિલ્મ થિએટર્સમાં ચાલી રહી છે એવામાં ફિલ્મનિર્માતાએ ઘણાય મોટા દાવા કરી નાંખ્યા છે. આટલો સમય પ્રશંસાના પોટલા બાંધ્યા બાદ હવે ફિલ્મમાંથી એમને એક ભૂલ દેખાઈ છે. ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમના સીન પર તેમણે સવાલ ઊઠાવ્યા છે. 

દાઉદને ખોટી રીતે દેખાડ્યો

રામગોપાલ વર્માનું એવું કહેવું છે કે, ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમને ખોટી રીતે સ્ક્રિન પર રજૂ કર્યા છે. હુસૈન ઝૈદીની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા રામગોપાલ વર્માએ કહ્યું હતું કે, હું માત્ર એકવાતથી સહમત નથી.મને એવું લાગે છે કે, દાઉદ ઈબ્રાહિમને જે રીતે દર્શાવાયા છે એ ખોટું છે.

બની શકે છે કે, એમની પાસે પોતાના સૂત્રો હોય. પણ મને એવું લાગે છે કે, જે સ્ક્રિન પર દેખાડ્યું એ યોગ્ય નથી. હું આ વાત કોઈ ઓથોરિટી સાથે નથી કહી રહ્યો, પણ મને જેટલી પણ ખબર છે એની સાથે આ ક્યાંક મેચ થતું નથી. ઘણા વર્ષોથી મને એવું સાંભળવા મળે છે કે, દાઉદ પોતાના ક્રિમિનલ કામથી હવે ઘણો દૂર થઈ ચૂક્યો છે, એમની તબિયત પણ સારી નથી. 

ક્રિમિનલ કામમાંથી નિવૃતિ

પણ તે પોતાની ઈચ્છાથી દૂર થયો છે અને તેમણે બધુ જ કામકાજ બંધ કરી દીધુ છે.મારૂ એવું માનવું છે કે, તેમણે 20 વર્ષ પહેલા જ ક્રિમિનલ કામમાંથી નિવૃતિ લઈ લીધી હતી. આ મામલે કોઈ એક્સપર્ટ ન હોઈ શકે. કોઈ એ નથી જાણતું કે ખરેખર હકીકત શું છે?આપણે એવું વિચારી શકીએ છીએ કે, 'ધુરંધર' ફિલ્મમાં કંઈક તો દર્શાવાયુ છે એને હું ખોટું સાબિત કરવાનો પ્રયાસ કરતો નથી અને ડાયરેક્ટર પણ એને સાબિત કરી શકે એમ નથી.

પોતાની ખાસ મુલાકાતમાં તેમણે દાઉદ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત કરી હતી. રામગોપાલે કહ્યું હતું કે, સત્યા અને કંપની જેવી ફિલ્મ બનાવવાની પ્રેરણા દાઉદ પાસેથી મળી હતી. એમની રોજી-રોટી આનાથી ચાલે છે એટલે તેઓ એમનો આભાર વ્યક્ત કરે છે. 

ફોટોમાં પણ દાનિક ઈકબાલ જ

બોલિવૂડની દુનિયામાં જ્યારે પણ રામગોપાલ વર્મા કંઈક બોલે છે ત્યારે વિવાદ થયા વગર રહેતો નથી. આ કેસમાં હવે એમની આ વાત કઈ દિશામાં ફંટાય છે અને કયો નવો ફણગો ફૂટે છે એ જોવાનું છે. 'ધુરંધર- ધ રીવેન્જ' ફિલ્મમાં દાઉદનું પાત્ર દાનિશ ઈક્બાલે ભજવ્યું છે. ફિલ્મમાં જ્યારે એમના જૂના ફોટો પર કેમેરો પહેલ જાય છે ત્યારે જ દર્શકોને ખ્યાલ આવી જાય છે કે, 'બડે સાહબ' કોણ છે. હકીકતમાં એ ફોટોમાં પણ દાનિશ ઈક્બાલ જ હોય છે. ઓરિજિનલ જે દાઉદનો ફોટો એ ફોટોનો ઉપયોગ ફિલ્મમાં કરવામાં આવ્યો નથી.