મિલન ત્રિવેદી
ચારે તરફ અત્યારે યુદ્ધનો માહોલ છે. આમ છતાં ગુજરાતીઓ તેમાં પણ મિમ બનાવી આનંદ લે છે.
ટ્રમ્પકાકા એવું કહે છે કે મારા વહાણ નહીં જાવા દ્યો તો હોર્મુઝની ખાડી બુરી નાખીશું.... ગુજરાતી માડુ એમ કહે છે કે કેરીના રસની વાટકીઓ નહીં મળે તો પેટની ખાડી કેમ બુરાશે?
શિયાળામાં શરૂ કરેલ ડાયટિંગ કેરીની સિઝનમાં ડાય-ઇટિંગથી પૂરી થાય છે. ઓફિસમાં ગ્રીન-ટી પીને સાધુ જેવો દેખાતો હોય, એ જ માણસ એપ્રિલના અંતમાં કેરીના બોક્સ જોઈને પોતાનું તમામ જ્ઞાન વલસાડી આફૂસની જેમ ઓગાળી નાખે છે. ડાયેટિંગ કરનારા સામે જેવું ટેબલ પર રસનું તપેલું આવે, એટલે માણસના મગજમાં ચાલતું કેલરીનું કેલ્ક્યુલેટર શોર્ટ-સર્કિટ થઈ જાય છે.
એવું લાગે કે જાણે પૂર્વજન્મમાં આપણે કોઈ કેરીના બગીચામાં માત્ર માળી હતા અને આ જન્મમાં એ આજીવન ઉછરેલી કેરીનો બધો રસ વસૂલ કરવાનો છે!
તમે ક્યારેય માર્ક કર્યું છે કે કેરીનો રસ પીધા પછી માણસ જ્યારે વજન કાંટો (Weight Scale) આપણને ‘એરર’ બતાવે ત્યારે આપણે મન મનાવી લઈએ છીએ કે, કાંટો બગડી ગયો છે, કેરીમાં તો ફાઈબર હોય એનાથી વજન વધે જ નહીં!
સામાન્ય રીતે કેલરી મેન્ટેન કરવા માટે તેને બાળવી જરૂરી હોય છે. એક વાટકી રસ પીવો એટલે અડધી કલાક ચાલવું પડે, પરસેવો પાડવો પડે, પરંતુ ચાર પાંચ વાટકી રસ પેટમાં ઊતરી ગયો હોય અને આંખમાં ચાર-પાંચ પેગનો નશો છવાઈ ગયો હોય ત્યારે પથારી સુધી ચાલવામાં પણ કસરત કર્યા જેવું લાગે. નસકોરાની ગાડી ચાલુ કરી સ્વર્ગ સુધી આંટો મારી ત્રણ કલાકની વામકુક્ષીનો આનંદ ગુજરાતીઓ જ લઈ શકે.
પોતે જે ચાર-પાચ વાટકા રસ ઉલાળ્યો છે તેનાથી ફાંદ ન વધે તે સાબિત કરવા માટે મરણિયા પ્રયાસો કરે તે રસ કરતાં પણ રસપ્રદ હોય છે.
એક ભાઈ કહેશે: કેરીમાં વિટામિન-એ હોય, જે આંખો માટે સારું. હવે આંખો સારી રાખવા માટે થોડું પેટ વધે તો એમાં શું વાંધો? શરીરના બધા અંગનું એક સાથે ધ્યાન રાખવું શક્ય નથી.
બીજો જ્ઞાની કહેશે: કેરી એ ફળોનો રાજા છે, અને રાજાને ના પાડવી એ રાજદ્રોહનો ગુનો ગણાય. આપણે તો દેશભક્ત છીએ!
આમ, જે ડાયેટિંગ ડિસેમ્બરમાં શરૂ થયું હોય, તે મે મહિનામાં મરણપથારીએ હોય છે. રસ પીધા પછી જે ઓડકાર આવે છે, એમાં ‘સંતોષ’ ઓછો અને ‘ડાયેટિંગની હાર’નો અવાજ વધુ હોય છે.
સામાજિક દબાણ અને ‘છેલ્લી વાટકી’ એને આપણે આગ્રહ કહીએ છીએ.
તમે ગમે તેટલા મક્કમ હો, પણ જો તમે કોઈ ગુજરાતીના ઘરે મહેમાન બનીને ગયા હો અને ત્યાં કેરીનો રસ પીરસાયો હોય, તો તમારું ડાયેટિંગ પતી ગયું સમજો. યજમાન એટલા પ્રેમથી આગ્રહ કરશે કે તમને લાગશે કે જો તમે બીજી વાટકી નહીં લો, તો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોની જેમ આપણી વચ્ચેના સંબંધ બગડી જશે. અરે ભાઈ, આ તો રત્નાગિરીની આફૂસ છે, તારલાળાની કેસર છે. આમાં ખાંડ નથી નાખી! આ વાક્ય દુનિયાનું સૌથી મોટું આશ્વાસન છે. ખાંડ ભલે ન હોય, પણ એમાં રહેલી કુદરતી મીઠાશ તમારા જિમના ‘મેમ્બરશિપ કાર્ડ’ને ફાડી નાખવા માટે પૂરતી છે.
સ્વાદ એ જ સત્ય છે.
અંદરો અંદર ઝગડતા વિદેશના નેતાઓને કેરીના રસનું જમણ કરાવો જીભ ઉપર મીઠાશ આવશે અને ઘસઘસાટ ઊંઘ આવશે. યુદ્ધ કરવાના સમયે સૂતા હોય તો શાંતિ સ્થપાઈ જાય.
અંતે એટલું જ કહેવાનું કે ડાયેટિંગ તો આખું વર્ષ ચાલશે, પણ કેરી તો ફક્ત બે મહિના જ રહેવાની છે. કેરીનો રસ પીતી વખતે જો તમે કેલરી ગણવા બેસો, તો એ કેરીનું અપમાન છે એટલે જ, આ ઉનાળે તમારા ડાયેટ ચાર્ટને કબાટમાં મૂકી દો અને રસની ડોલમાં ડૂબકી લગાવો. કેલરીનું શું છે? એ તો ચોમાસામાં ડોક્ટરની બીકે ઊતરી જશે!
યાદ રાખજો, પૃથ્વી ગોળ છે અને આપણું પેટ પણ જો થોડું ગોળ થાય તો એમાં કુદરત સાથેનું સાનિધ્ય સમજવું!
વિચારવાયુ
ડાયેટિંગ એવી વસ્તુ છે જે હંમેશાં ‘આવતીકાલ’થી જ શરૂ થાય છે, પણ કેરીનો રસ તો ‘અત્યારે જ’ પીવાનો હોય છે!