Mon Oct 05 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઇરાન યુરેનિયમ જથ્થો અમેરિકાને સોંપવા સંમત

washington dc   2026-04-17 21:18:27
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઇરાન યુરેનિયમ જથ્થો અમેરિકાને સોંપવા સંમત

(AP Photo/Matt Rourke)


વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. જેમાં ટ્રમ્પે કહ્યું છે કે ઇરાન તેના યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા રાજી થયું છે. જ્યારે ઈરાની મીડિયાએ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ટ્રમ્પ પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. 

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર શક્ય

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર શક્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આ કરાર થાય છે, તો ક્રૂડનો પુરવઠો ફરી શરૂ થઈ શકે છે અને પ્રદેશમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગશે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે જો આ કરાર ઇસ્લામાબાદમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે તો તેઓ પાકિસ્તાનની મુલાકાત પણ લઈ શકે છે. 

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ 

જોકે, આ દરમિયાન ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જાહેર કરાયેલા યુદ્ધવિરામ અંગે ખાડી રાષ્ટ્રો તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. સાઉદી અરેબિયા અને ઓમાનએ આ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે લેબનોનની સાર્વભૌમત્વ અને રાજ્ય સંસ્થાઓને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. 

અમેરિકન નૌકાદળ નાકાબંધી જાળવી રાખશે

આ ઉપરાંત ઈરાનના મુદ્દા પર ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે ટ્રમ્પે તેમને ખાતરી આપી છે કે તેઓ નૌકાદળ નાકાબંધી જાળવી રાખશે અને ઈરાનની બાકી રહેલી પરમાણુ ક્ષમતાઓને તોડી પાડવા માટે કટિબદ્ધ છે. નેતન્યાહૂએ આ પગલાંને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે તેઓ આવનારા વર્ષોમાં સુરક્ષા અને રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે.