જ્વલંત નાયક
વિવિધ ટ્રાવેલ એજન્સીઝના ડેટા કહે છે કે ફોરેન ટ્રીપ મારવામાં પશ્ર્ચિમ ભારતની પ્રજા આખા દેશમાં પ્રથમ ક્રમે આવે. અને પશ્ર્ચિમ ભારત એટલે મોટે ભાગે આપણી ગુજરાતી પ્રજા. કમાણી કરવાની સાથે બચત કરતા જવાનો ગુણ સદીઓથી ગુજરાતીઓના જીન્સમાં વણાઈ ગયો છે. જે પ્રજા નિયમિત બચત કરી શકતી હોય એની પાસે સમયાંતરે વધારાની મૂડી ભેગી થાય એ સહજ છે.
અહીં ગુજરાતીઓના જીન્સમાં વણાઈ ગયેલો બીજો એક સદગુણ એક્ટિવ થાય છે. આ સદગુણ તે કમાયેલો રૂપિયો વાપરી જાણવાની કળા. દાન- દક્ષિણા કરવાથી માંડીને આપદાઓ અને આપત્તિઓ સમયે રાહતકાર્ય માટે રૂપિયો વાપરવામાં ગુજરાતીઓ અગ્રસર રહે છે. સાથે જ હરવા-ફરવા પાછળ દમડી ખર્ચવામાં ય ગુજરાતીઓને ખાસ વાંધો નથી હોતો. આ વાત માત્ર લાગણીને આધારે નહિ, પણ આંકડાઓના સમર્થન સાથે લખી છે.
Outbound Tourism Market એટલે એવા પ્રવાસીઓને લગતી વ્યાપારિક બાબત, જે પોતાના દેશમાંથી વિદેશ (બીજા દેશોમાં) પ્રવાસે જતા હોય. માર્કેટના અભ્યાસુઓ કહે છે કે ભારતીય પ્રવાસીઓનું આઉટબાઉન્ડ માર્કેટ 23.4 બિલિયન ડૉલર્સનું છે. અને આવનારા દસ વર્ષ-એટલે કે 2026 થી 2036 દરમિયાન તે ત્રણ ગણું વધીને 68.8 બિલિયન ડૉલર્સ સુધી પહોંચશે. આની પાછળ મુખ્યત્વે ભારતનું બદલાઈ રહેલું આર્થિક-સામાજિક વાતાવરણ કારણરૂપ છે.
ભારતમાં એરપોર્ટ્સની સંખ્યા વધી રહી છે. વળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે એરપોર્ટ્સ સાથે દેશના અંતરિયાળ પ્રદેશોની કનેક્ટિવિટી પણ વધી રહી છે. સાથે જ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને પેમેન્ટ ગેટવેઝને પ્રતાપે આખી પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ. અધૂરામાં પૂરું, ઉચ્ચશિક્ષિત અને ઊંચો પગાર મેળવતી યુવાપેઢીની સંખ્યા પણ વધી. સ્વાભાવિક છે કે આ પેઢીના વધુને વધુ લોકો વેકેશનમાં ઘરે બેસી રહેવાને બદલે અન્ય દેશોના પ્રવાસે જવાનું પસંદ કરે.
અહીં અન્ય એક રસપ્રદ વાત એ છે કે પહેલા ગુજરાતીઓ-ભારતીયો અઠવાડિયાથી માંડીને બહુ બહુ તો બાર પંદર દિવસના આઉટબોન્ડ ટુરિઝમ પર પસંદગી ઉતારતા. હવે સમૃદ્ધ વર્ગ મહિના જેટલા લાંબા પ્રવાસોનું આયોજન કરતો થયો છે.
મિડલ-ઈસ્ટ વોર અને પેટર્નમાં બદલાવ
કોરોના આવ્યો એ પહેલાથી જ ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સની શરૂઆત થઇ ચૂકેલી. પણ કોરોના દરમિયાન ઘરમાં પુરાયેલા લોકોએ ટાઈમપાસ કરવા માટે ઓટીટી પ્લેટફોર્મ્સનો ઉપયોગ વધાર્યો, અને પછી તો મનોરંજન માર્કેટનું આખું ચિત્ર જ બદલાઈ ગયું. પ્રવાસન ક્ષેત્રે પણ કંઈક આવો જ સિનારિયો હાલ જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી આરામપ્રિય ગુજરાતીઓ મોટે ભાગે દુબઈ અને અબુધાબી જેવા દેશોમાં ફરવા જવાનું પસંદ કરતા. અત્યંત સમૃદ્ધ લોકો જ યુરોપ-અમેરિકાને પ્રવાસે જતા. જ્યારે એકદમ બજેટ ટુરમાં માનતો વર્ગ થાઈલેન્ડ અને બેંગકોક જેવા દેશો પર પસંદગી ઉતારતો. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવો આ ઘાટ હતો. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી આ ચિત્ર બદલાઈ રહ્યું છે. એમાં વળી હાલના ઈરાન-અમેરિકા સંઘર્ષને પગલે કોઈ પ્રવાસીઓ મિડલ-ઈસ્ટ જવા નથી માગતા. એ સંજોગોમાં આ ઉનાળે વિયેતનામની માગ પુરજોશમાં છે.
શું ફરક છે દુબઈ અને વિયેતનામમાં? દુબઈ દાયકાઓથી આપણા ગુજરાતીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ રહ્યું છે.
એક સમયે દુબઈની લક્ઝરી આપણને ચકાચૌંધ કરી નાખતી. પણ થયું એવું કે ભારતે છેલ્લા બે-અઢી દશકો દરમિયાન ઉદારીકરણના ફળ ચાખ્યા, જેના પ્રતાપે ભારતીય શહેરોમાં પણ ઘણે અંશે લક્ઝરી દેખાવા માંડી. જો કે દુબઈ આપણા કરતાં હજી ઘણું આગળ છે. પણ ભારતીય - ખાસ કરીને ગુજરાતી યુવા પેઢીમાં હવે લક્ઝુરિયસ ટુરિઝમનો મોહ પહેલા જેટલો નથી રહ્યો. દુબઈમાં રણપ્રદેશ સિવાયનું બધું માનવનિર્મિત છે. તમે ગમે એટલી સુંદર રચનાનું નિર્માણ કરો, માનવનિર્મિત સ્થાપત્યો કુદરતી સુંદરતા સામે ઝાઝું ટકી શકતા નથી.
કદાચ એટલે જ ગુજરાતી યુવા પેઢી હવે દુબઈની લક્ઝરીને બદલે વિયેતનામનાં જંગલો એક્સ્પ્લોર કરવામાં-મહાલવાની અને ત્યાંનું સ્વાદિષ્ટ સ્ટ્રીટફૂડ ચાખવામાં વધુ દિલચસ્પી ધરાવતી થઇ છે. ઝાકમઝોળ રોશનીમાં નહાતી ગગનચુંબી ઈમારતોને બદલે હવે દરિયા કિનારાઓ, ગુફાઓ, પર્વતો અને જંગલોમાં વેરાયેલું કુદરતી સૌન્દર્ય નિહાળવાની વધુ મઝા પડે છે. આ આપણી ટ્રાવેલ પેટર્નમાં આવેલો એક મોટો બદલાવ છે.
એક જમાનામાં ગુજરાતીઓ રહેઠાણ અને ભોજન સહિતને બહુ મહત્ત્વ આપતા. બીજા ક્રમે શોપિંગની ઘેલછા રહેતી. એટલે જ દુબઈ-અબુધાબીની શાનદાર હોટેલ્સ અને ડયૂટી ફ્રી શોપ્સ આપણને આકર્ષતા, પણ નવી પેઢી હવે કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળીને સોલો ટ્રીપની રખડપટ્ટીનો આનંદ માણવા માગે છે. ટ્રેકિંગ અને તોફાની પ્રવાહમાં રાફ્ટિંગ જેવા પ્રમાણમાં જોખમી ગણાતા અનુભવો પણ આપણા યુવાનોના વિશલિસ્ટમાં સામેલ થઇ ચૂક્યા છે.
હજી પાંચ વર્ષ પહેલા બહુ ઓછા ગુજરાતીઓ આવાં સાહસોનો વિચાર કરતા.
આ બધા મુદ્દા તો મહત્ત્વના છે એની સાથે આર્થિક મુદ્દો પણ મહત્ત્વનો છે. દુબઈની સરખામણીએ વિયેતનામ ખાસ્સું સસ્તું છે. વિયેતનામી ચલણ ભારતીય કરન્સી કરતાં સસ્તું હોવાથી ગુજરાતીઓએ ખરીદી કરતા પહેલા કેલ્ક્યુલેટર લઈને બેસવું નથી પડતું. એટલે પારિવારિક પ્રવાસો માટે પણ એ મહત્ત્વનું સ્થાન બન્યું છે.
એકંદરે વાત એવી છે કે પ્રવાસ ક્ષેત્રે ગુજરાતી નવી પેઢીનો ટેસ્ટ બદલાઈ રહ્યો છે. કમ્ફર્ટને બદલે એડવેન્ચરનું મહત્ત્વ વધી રહ્યું છે. વળી ખાણી-પીણી બાબતે પણ આપણે ખાસ્સા ઓપન માઈન્ડ થઇ રહ્યા છીએ. યુરોપ-અમેરિકાની ધોળી પ્રજા પણ પ્રવાસ બાબતે એડવેન્ચર અને હેરીટેજ જેવાં આકર્ષણોને વધુ મહત્ત્વ આપતી રહી છે. એ જ રીતે ગુજરાતીઓ ય હવે શોપિંગની માયાજાળ છાંડીને એડવેન્ચરને રસ્તે આગળ વધી રહ્યા છે. આ દોર ચાલુ રહ્યો તો નજીકના ભવિષ્યમાં ગુજરાતી પેકેજ ટુર્સ ગ્રીસથી માંડીને અમેઝોનનાં જંગલો સુધી પહોંચે એવી શક્યતા ઓ દેખાઈ રહી છે.
ઇન ધેટ કેસ, રોમમાં રસ-પૂરી અને પેરિસમાં પાત્રાની સાથે સાથે એમેઝોનમાં અથાણું પીરસવાની સ્કીમ્સ જોરદાર ચાલશે.