ટીના દોશી
ઓફિસના કામે કાર્તિકને પંદરેક દિવસ માટે બહારગામ જવાનું થયું એટલે ચિત્રા અને વિશાખાએ પણ અઠવાડિયાની રજાઓ ગાળવા રમણીય સ્થળે જવાનું પ્લાનિંગ કરી લીધું. ચિત્રા અને વિશાખા સાસુવહુ હતાં. ચિત્રા કાર્તિકની મમ્મી અને વિશાખા કાર્તિકની પત્ની. ત્રણ વર્ષ પહેલાં થયેલા એક અકસ્માતને પગલે ચિત્રાના બંને પગ અક્ષમ થઈ ગયેલા, એટલે એ ચાલવાને સક્ષમ રહી નહોતી. પણ વિશાખા અસમર્થ ચિત્રાની સારસંભાળમાં કોઈ કચાશ ન રાખતી.
ચિત્રાને એ વ્હીલચેરમાં બેસાડીને ફેરવતી. ચિત્રાને કોઈ ચીજની કમી ન સાલે એનું ખાસ ધ્યાન રાખતી. અરે, ચિત્રાની દેખરેખ માટે વિશાખાએ પોતાની કોર્પોરેટ જોબ સુધ્ધાં છોડી દીધેલી. ચિત્રા ઘેર બેસીને કંટાળી ન જાય એ માટે અવારનવાર ફરવા જવાનું ગોઠવતી. અત્યારે પણ કાર્તિકની ગેરહાજરીમાં હિલ સ્ટેશને ફરવા જવાનો પ્લાન એણે ઘડી કાઢ્યો. વિશાખા ગાડી ચલાવવાનું જાણતી, એટલે સાસુવહુની જોડી નજીકના નયનરમ્ય હિલ સ્ટેશને હવાફેર કરવા નીકળી પડી.
લગભગ સવાસો કિલોમીટરને અંતરે આવેલું હિલ સ્ટેશન ખરેખર રમણીય હતું. મનમોહક, ચિત્તાકર્ષક. ઓફ સિઝન હોવાને કારણે ઉતારાની જગ્યા ખોળવામાં મુશ્કેલી ન પડી. ફાઈવ સ્ટાર હોટેલમાં બુકિંગ ખર્ચાળ હતું, પણ ઉપલબ્ધ હતું. આવી બેત્રણ હોટેલમાં ચક્કર લગાવ્યા પછી ચિત્રા બોલી : ‘વિશાખાવહુ, બધી હોટેલો તો સારી છે, પણ બંધિયાર છે. હોટેલરૂમમાંથી પર્વતોની એક ઝલક તો મળે છે, પણ મારે તો પહાડ સામે જ દેખાતો હોય એવે ઠેકાણે રહેવું છે.’
‘મમ્મીજી, એવું ઠેકાણું તો મળી જશે, પણ એમાં પાંચતારા હોટેલ જેવી સુખ, સુવિધા ને સગવડ નહીં હોય...’ વિશાખા બોલી.
‘મને વાંધો નથી...’ ચિત્રાએ કહ્યું : ‘મારે ફાઈવ સ્ટાર હોટેલના કમરામાં કેદ થવું નથી. મારે તો પ્રકૃતિની ગોદમાં રહેવું છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવો છે.’
વિશાખાએ બેત્રણ ઠેકાણે પૂછપરછ કરી. આખરે જોઈતું હતું એવું ઠેકાણું મળી ગયું. ફાઈવ સ્ટાર હોટેલોની હારમાળા પૂરી થયે વિશાખાએ જમણી બાજુની સાંકડી કેડી પર ગાડી વાળી. કેડીની બે બાજુએ લહેરાતાં હરિયાળાં ઘટાદાર વૃક્ષોની વચ્ચે થઈને ત્રણેક કિલોમીટર સુધી ધીમી ગતિએ ગાડી હંકારી. કેડીનો અંત આવ્યો ને સામે એક લાંબુંપહોળું ચોગાન દેખાયું. ચોગાન તો કહેવાનું, હતું તો એ સપાટ ગોળાકાર મેદાન. એક તરફ ઢોળાવ.
‘વાહ, અદ્ભુત નઝારો છે...પ્રકૃતિએ અહીં ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું છે. કુદરતે સોળે શણગાર સજ્યાં છે જાણે. વાતાવરણ પણ ખુશનુમા છે.’ ચિત્રા અહોભાવથી ચારેકોર જોઈ રહી. વિશાખા પણ કુદરતની મહેર જોઈ રહી. મેદાનની ત્રણ બાજુએ ઊંચી ઊંચી પહાડી અને પહાડી પર વનરાજી. પહાડીની વચ્ચેથી વહેતો ધોધ. વિશાખાની નજર પહાડી પરથી ફરતાં ફરતાં ફરી મેદાન પર આવીને સ્થિર થઈ.
ઊંધા વાળેલા થાળ જેવા ગોળાકાર મેદાનમાં અર્ધગોળાકારે થોડા થોડા અંતરે મઢૂલીના આકારમાં પથ્થરનાં રહેઠાણ બનાવવામાં આવેલાં. મઢૂલીઓ લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલી. આંગણામાં રંગીન ફૂલોની ક્યારીઓ. ફૂલોની ખુશ્બૂથી મઢૂલીઓ મહેકી રહેલી. મઢૂલીમાં વરંડો. વરંડામાં શણનો ઝૂલો.
‘વિશાખાવહુ, મને તો આ જગ્યા ગમી ગઈ...’ ચિત્રાના અવાજનો ઉત્સાહ પારખીને વિશાખાએ એક મઢૂલીનું અઠવાડિયા માટેનું બુકિંગ કરાવી લીધું. મેનેજર મોહિતકુમારે વિશાખાને કૂંચી કહી શકાય એવી ચાવી સોંપી. વિશાખાએ ગાડી પાર્ક કરી. ડીકીમાંથી ફોલ્ડિંગ વ્હીલ ચેર બહાર કાઢી. ચિત્રાને ખભે હાથ મૂકીને, પોતાના હાથનો ટેકો આપ્યો. સાચવીને વ્હીલચેરમાં બેસાડી. હળવેથી વ્હીલચેર ધકેલીને મઢૂલીમાં લઈ ગઈ. ચિત્રા મઢૂલીને જોઈ રહી.
મઢૂલી બહારથી જેટલી સુંદર દેખાતી હતી, ભીતરથી પણ એટલી જ આકર્ષક હતી. વૈભવી નહોતી, પણ આરામદાયક હતી. સુવિધાઓ નહોતી, પણ સગવડ તો હતી જ. બે કમરાની મઢૂલી. એક નાનકડો બેઠકખંડ. બીજો બેડરૂમ. બંને કમરાની બારીઓ પર શ્વેત, પીળાં, લાલ અને કેસરી ફૂલપત્તીની વેલ ઝૂલી રહેલી.
‘હું અંદર આવી શકું ?’ વિશાખા સાસુવહુનો સામાન ગોઠવી રહેલી ત્યારે મેનેજર મોહિતકુમાર દ્વાર ખટખટાવીને ભીતર આવ્યો. અદબ વાળીને બોલ્યો : ‘ચા, કોફી સહિત ભોજનની અહીં તમામ પ્રકારની સગવડ છે. બધા પ્રકારનાં ખાણાં અહીં ઉપલબ્ધ છે. એ સિવાય આપને કાંઈ જરૂર હોય તો મને ઇન્ટરકોમ પર જણાવી શકો છો.’ કહીને મેનેજર ચાલ્યો ગયો. પણ જતાં જતાં કંઈક યાદ આવ્યું હોય એમ પાછો ફર્યો ને કહી રહ્યો : ‘અત્યારે વરસાદની મોસમ નથી, પણ ક્યારેક કમોસમી વરસાદ આવી જાય છે. બે દિવસ પહેલાં જ મોટું ઝાપટું આવી ગયેલું. એટલે બધે ફરજો, પણ પેલી ઢોળાવવાળી જગ્યાએ જવાનું ટાળજો. ક્યાંક પગ લપસી ન જાય.’
‘કોઈ ઢોળાવ પરથી લપસી ગયું છે ખરું ?’ વિશાખાના પ્રશ્નમાં કુતૂહલ ભળ્યું.
‘હા, એટલે જ તો ચેતવી રહ્યો છું....’ મોહિતકુમાર કહેવા લાગ્યા : ‘ગયા વર્ષે જ ગમખ્વાર દુર્ઘટના સર્જાયેલી. એક રાજેશભાઈ અને રીનાબહેન નામનું જોડું ચાર દિવસ માટે રહેવા આવેલું. એ સમયે માવઠું થયેલું. વરસાદ થયા પછી રીનાબહેને ફરવા જવાની જીદ કરી. પણ વરસાદી માટી ચીકણી થઈ જાય છે. લપસી જવાનો ભય રહે છે. એથી અમે એમને ફરવા ન જવા માટે ઘણાં સમજાવ્યાં, પણ એ ન જ માન્યાં. ફરતાં ફરતાં ઢોળાવવાળી જગ્યાએ પહોંચી ગયાં. એ ઠેકાણે તો માટી અતિશય લપસણી થઈ જાય છે. રીનાબહેન એ માટી પર પગ મૂકતાંની સાથે ગબડી પડ્યાં. સીધાં જ નીચે ને પછી એકદમ ઉપર.’
‘ઓહ, આ તો ખોટું થયું.’ ચિત્રાએ મોંએ હાથ દાબ્યો : ‘મેનેજર સાહેબ, તમે એ ખતરનાક ઢોળાવ પાસે ડેન્જર ઝોન એવી ચેતવણી મૂકી દો ને. જેથી કોઈ ત્યાં જાય જ નહીં.’
‘અરે, એવા ભયસૂચક બોર્ડ તો ત્રણ વાર મૂકેલા.. પરંતુ ત્રણેય વાર કો’ક અટકચાળાએ બોર્ડ ઊખેડીને ફેંકી દીધાં. મેં તો ફેન્સિંગ પણ કરાવેલું. પણ એ ય વાંદરાઓએ કૂદી કૂદીને તોડી પાડ્યું.’ મોહિતકુમારે પગ ઉપાડ્યા. જતાં જતાં ફરી ચેતવણીનો સૂર ઉચ્ચારતા ગયા : ‘આમ તો કોઈ વાંધો નથી, પણ વરસાદ આવે તો એ ઢોળાવવાળી જગ્યાએ જવાનું ટાળજો.’
મોહિતકુમાર ગયા ને મઢૂલીનો સેવક કિસન ગરમાગરમ ખૂશ્બુદાર ચા ને સ્વાદિષ્ટ પકોડા લઈને આવ્યો. સાસુવહુએ ચાનાસ્તો કર્યો. પછી વિશાખા ચિત્રાના પગની માલિશ કરવા બેઠી. એટલામાં બાજુની મઢૂલીમાં રહેવા આવેલાં જયશ્રીબહેન પધાર્યાં. પાછળ પાછળ રસીલાબહેન પણ આવ્યાં. સાસુવહુએ ઉમળકાભેર આવકાર આપ્યો. ચાનો વિવેક કર્યો. પણ જયશ્રીએ કહ્યું : ‘અરે, અમે તો હમણાં જ ચાનાસ્તો કરીને આવ્યાં. આ તો તમને જોયાં, એટલે ઓળખાણ કરવા આવી ગયાં. મારું નામ જયશ્રી. તમારાથી જમણી બાજુની મઢૂલીમાં ત્રણ દિવસ માટે હવાફેર કરવા આવી છું. મારા પતિ જયસુખલાલ વેપારી છે. એ આરામ ફરમાવે છે. ને મેં તમને બેને જોયાં એટલે મળવા આવી.’
‘મારું નામ રસીલા...’ રસીલાબહેને કહ્યું : ‘તમારાથી ડાબી બાજુના કોટેજ...અરે, મઢૂલીમાં મારા પતિ મનોહરલાલ સાથે આવી છું. એ ય કારોબારી છે. પગ છૂટો કરવા બહાર નીકળ્યા એટલે હું અહીં આવી.’
‘હું ચિત્રા ને આ મારી વહુ વિશાખા...’ સાસુવહુનો પરિચય થતાં જયશ્રી ને રસીલા એકસાથે બોલી ઊઠી : ‘અરે, અમે તો તમને બેયને માદીકરી સમજી બેઠેલાં. વિશાખા જેવી સેવા કરી રહી છે એ તો એક દીકરી જ કરી શકે. એક દીકરીને જ મા માટે આવી લાગણી હોય. વહુ તો વઢકણી સાંભળી છે. પણ તમારી વહુ તો દીકરી કરતાંય ચડિયાતી છે. ચિત્રાબહેન, તમે તો ખરાં ભાગ્યશાળી કે આવી પ્રેમાળ વહુ તમને મળી છે !’
‘હા, મારી વહુ તો દીકરીથી યે સવાયી છે...’ ચિત્રાએ સૂર પુરાવ્યો.
‘મારાં સાસુ માથીયે અધિક છે...’ પોતાના હાથને ટેકે ચિત્રાને વ્હીલચેરમાં બેસાડતી વિશાખા બોલી. બંને પાડોશણો સાસુવહુનું હેત જોઈ રહી. એવામાં ચિત્રા બોલી : ‘ચાલો, આપણે મેદાનમાં ફરવા નીકળીએ...’
‘ના, મમ્મીજી...’ વિશાખાએ સ્નેહાળ વિરોધ કર્યો : ‘આપણે ખોટું જોખમ નથી ખેડવું. મેનેજર શું કહીને ગયા એ સાંભળ્યું નહીં ?’
‘વિશાખાની વાત સાચી છે...’ જયશ્રી અને રસીલાએ પણ સૂરમાં સૂર પુરાવ્યો : ‘સાંજના છ તો થયા. અત્યારે જવાનું રહેવા દો.’
‘અરે, પણ અત્યારે ક્યાં વરસાદ છે...પેલી ઢોળાવવાળી જગ્યાએ નહીં જઈએ, બસ..’ ચિત્રાની જીદ સામે વિશાખાએ નમતું મૂક્યું. જયશ્રી ને રસીલા પોતપોતાની મઢૂલીભણી ચાલી નીકળી ને વિશાખા ચિત્રાની વ્હીલચેર ધકેલતી મેદાનમાં ફરવા ચાલી. કલાકેક ફરીને બેય પાછાં ફર્યાં. રાત્રિભોજન પતાવીને બેય પથારીભેગાં થયાં.
એ રાત્રે મોડેથી કલાકેક સુધી ધોધમાર વરસાદ થયો. સવારે સાડા છ વાગ્યે વિશાખાની રાડારાડથી મઢૂલીઓની સાથે મેદાન ગાજી ઊઠયું. મેનેજર મોહિતકુમાર હાંફળોફાંફળો દોડી આવ્યો. જયશ્રી અને જયસુખલાલ ઉપરાંત રસીલા અને મનોહરલાલ પણ વિશાખાની મઢૂલીભણી દોડી ગયાં. મઢુલીની બહાર ઊભેલી વિશાખા હજુયે ચીસો પાડી રહેલી : મમ્મીજી, મમ્મીજી...
‘અરે...અરે... શું થયું ?’ મોહિતકુમારે પૂછ્યું : ‘શું થયું તમારાં સાસુને ?’
‘મારાં સાસુ..’ વિશાખા રડમસ અવાજે બોલી : ‘મમ્મીજી સવારે છ વાગ્યે ઊઠી ગયાં...બારીની બહાર જોઈને કહેવા લાગ્યાં કે વરસાદ પડ્યો લાગે છે. આપણે ખુશનુમા મોસમની મજા માણીએ. બહાર થોડું ફરવા જઈએ. મેં ના પાડી, પણ એ ન માન્યાં. આખરે એમને વ્હીલચેરમાં બેસાડીને હું બહાર નીકળી. અમે ફરતાં ફરતાં પેલી ઢોળાવવાળી જગ્યાએ પહોંચી ગયાં. મેં એમને આગળ જવાની ના પાડી, પણ કોણ જાણે એમને શું સૂઝ્યું કે જાતે જ વ્હીલચેરનાં પૈડાં ફેરવીને આગળ જવા લાગ્યાં. અને....ન થવાનું થયું. પૈડું ચીકણી માટીમાં લપસ્યું. ને મારાં મમ્મીજી વ્હીલચેર સાથે ખાઈમાં ગબડી પડ્યાં...ઈશ્વર જાણે એ જીવતાં હશે કે...’
વિશાખા અશુભ વાણી ન ઉચ્ચારી શકી. એને ગળે ડૂમો ભરાણો. જયશ્રી અને રસીલા એને ખભે હાથ મૂકીને આશ્વાસન આપી રહ્યાં. દરમિયાન, મોહિતકુમારે પોલીસમાં જાણ કરી દીધેલી. એ સમયે હિલ સ્ટેશન પર રાજ્યના પોલીસકર્મીઓની કોન્ફરન્સ મળેલી. એમાં ઈન્સ્પેક્ટર કરણ બક્ષી એના જુનિયરો જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિત સાથે સામેલ થયેલો. પોલીસ કમિશનર ઇન્દ્રવિજયસિંહ ઝાલાએ કરણ બક્ષીને ઇન્વેસ્ટિગેશનનું કામ સોંપ્યું.
કરણ બક્ષી જુનિયરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો. મોહિતકુમાર એમને ઢોળાવવાળી જગ્યાએ લઈ ગયા. માટી ચીકણી હતી ને કાદવકીચડ પણ થઈ ગયેલો. પોલીસત્રિપુટીએ નીચે નજર કરી. ખીણ ઊંડી હતી. ઊંચેથી પડનાર બચે એવી શક્યતા નહીંવત હતી. સ્થાનિક જવાનોની સહાયથી પોલીસત્રિપુટીએ તળેટીમાં તપાસ કરી. વ્હીલચેર મળી આવી. જયરાજે જોયું કે એનાં પૈડાં વરસાદી કાદવ અને ચીકણી માટીથી ખરડાયેલાં.
થોડેક દૂર ચિત્રાનો મૃતદેહ પડેલો. એનાં કપડાં પર તળેટીની માટી ચોંટેલી. એનાં બંને હાથની મુઠ્ઠીઓ વળી ગયેલી. દેવકીએ મુઠ્ઠીઓ ખોલી તો હથેળીઓ હજુયે લાલ હતી. ચિત્રાની આંખો આશ્ર્ચર્ય અને આઘાતથી પહોળી થઈ ગયેલી. જાણે પોતે મૃત્યુ પામી રહી છે એ માનવા તૈયાર જ નહોતી !
ચિત્રાનો મૃતદેહ મેદાનમાં લઈ અવાયો. કરણ બક્ષી કંઈ બોલે એ પહેલાં તો વિશાખાએ પોક મૂકી : ‘ઓ મારાં પ્રાણથી એ અધિક પ્યારાં મમ્મીજી...! આ તમે શું કર્યું ? મેં વરસાદી વાતાવરણમાં બહાર જવાની કેટલી મના કરેલી પણ તમે ન જ માન્યાં. આખરે જીવ ગુમાવવો પડ્યો.. હું કાર્તિકને શું જવાબ આપીશ ?’
‘પહેલાં તો તમે અમને જવાબ આપો...’ કરણ બક્ષીએ કડકાઈથી કહ્યું : ‘તમને તમારાં સાસુ એટલાં કઠતાં હતાં કે તમે ષડ્યંત્ર રચીને એમનું કાસળ જ કાઢી નાખ્યું...બોલો, તમે જ હત્યા કરી છે ને ચિત્રાબહેનની?’
‘હત્યા...એ ય મારાં મા સમાન સાસુની ?’ વિશાખાને આઘાત લાગ્યો હોય એમ બોલી : ‘હું શું કામ એમની હત્યા કરું.. એ તો અકસ્માતે જ ગબડી પડ્યાં. મેં તો એમને ફરવા જવાની ના જ પાડેલી. પણ એ માન્યાં જ નહીં ને. એમાં હું શું કરું ? તમે મારા પર ખોટો જ આરોપ મૂકી રહ્યા છો !’
‘હા ઈન્સ્પેક્ટર સાહેબ....’ જયશ્રી અને રસીલા ગવાહી આપી રહ્યાં : ‘વિશાખા સાચું બોલે છે. અમે ખુદ એનાં સાક્ષી છીએ. અમે સગ્ગી આંખે જોયું છે કે વિશાખા એની સાસુ ચિત્રાને માનો દરજ્જો આપતી ને એની દીકરીની જેમ સેવા કરતી. વળી ગઈ કાલે સાંજે પણ ચિત્રાએ ફરવા જવાની જીદ પકડેલી. વિશાખા ના પાડતી રહી, પણ ચિત્રા ન જ માની. આખરે વિશાખાએ એને ફરવા લઈ જવી પડેલી...હવે તમે જ કહો, ચિત્રા હઠે ચડીને આકસ્મિક મૃત્યુ પામે એમાં વિશાખાનો શું વાંક ?’
‘ઈન્સ્પેક્ટર...બોલો, હવે શું કહેવું છે તમારે?’ પીઠબળ મળતાં વિશાખા તાનમાં આવી ગઈ : ‘મારાં સાસુ અકસ્માત મૃત્યુ પામ્યાં એમાં મારો શું વાંક કે મને ખૂની ગણી બેઠા છો...શું પુરાવો છે તમારી પાસે કે મેં એમની હત્યા કરી છે ?’
‘પુરાવો છે એટલે જ તો કહું છું કે તમે તમારાં સાસુની હત્યા કરી છે...’ કરણ બક્ષીનો અવાજ કઠોર બની ગયો : ‘ગઈ કાલે વરસાદ પડેલો એથી ઢોળાવવાળી જગ્યાએ હજુયે કાદવકીચડ છે. જો ચિત્રાએ પોતે કાદવકીચડવાળી જમીન પર વ્હીલચેરનાં પૈડાં ફેરવ્યાં હોત તો, પૈડાં પર લાગેલો કાદવ એમનાં બંને હાથમાં પણ લાગ્યો હોત. પરંતુ, ચિત્રાનાં હાથ અને હથેળીઓ એકદમ સ્વચ્છ છે. એમાં ક્યાંય કાદવ કે કીચડ લાગ્યો નથી.
એનો અર્થ એ થયો કે ચિત્રાએ પોતે વ્હીલચેરનાં પૈડાં ફેરવ્યાં નથી. વ્હીલચેરને ધક્કો મારવામાં આવ્યો છે. એ ધક્કો તમે જ મારી શકો, વિશાખા... કારણ કે તમે જ કબૂલ્યું છે કે તમે તમારાં સાસુને ફરવા લઈ ગયેલાં. મોકો મળતાં જ તમે વ્હીલચેરને ગબડાવી દીધી ને ખૂનને અકસ્માતનું રૂપ આપી દીધું... બોલો, ખરું કે ખોટું ?’
‘મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો, ઈન્સ્પેક્ટર...’ વિશાખા નીચું જોઈને બોલી : ‘ત્રણ ત્રણ વર્ષથી હું મારાં સાસુની સેવા કરી રહેલી. એક આદર્શ વહુ બનીને મેં મારી લાખ્ખો રૂપિયાની કોર્પોરેટ જોબ પણ એમનાં માટે છોડી દીધેલી. મારી પોતાની કોઈ જિંદગી જ રહી નહોતી. કાર્તિક પણ પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. જાણે હું છું જ નહીં. હું કંટાળી. ઘણી વેઠ કરી. એકલી એકલી ક્યાં સુધી ઢસરડો કર્યા કરું... છેલ્લા છ મહિનાથી મારાં સાસુનું કાસળ કાઢવાની તક શોધી રહેલી. આખરે અહીં એ મોકો મળી ગયો. મેં એમનું કામ તમામ કરી દીધું ને હત્યાને અકસ્માતનું નામ આપી દીધું.’
વિશાખાનો એકરાર સાંભળીને દેવકીના કાનમાં જયશ્રી અને રસીલા ગણગણી : વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ !
આવતા અઠવાડિયે નવી કથા