હેમંત વાળા
કોઈપણ દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય કળા-રચનામાં ભૂમિતિનું મહત્ત્વ રહે. તે માળખાકીય બંધારણ હોય કે પ્રમાણમાપ, ગોઠવણ હોય કે કોઈ અલાયદો આકાર, રંગોની ગોઠવણી હોય કે સમગ્રતામાં સ્થાપિત થતી અનુભૂતિ; ભૌમિતિક બાબતો એક યા બીજાં સ્વરૂપે, ઓછી કે વધતી માત્રામાં, પ્રત્યેક રચનામાં જોવાં મળે છે. સ્થાપત્ય આમાં અપવાદ ન હોઈ શકે. વાસ્તવમાં અન્ય કળાની સરખામણીમાં સ્થાપત્યમાં ભૌમિતિક આકારોનું મહત્ત્વ વધુ રહ્યું છે.
સ્થપતિની કલ્પનાને આકાર આપવા, દૃશ્ય સંતુલન સ્થાપિત કરવા, પ્રતિકાત્મક રજૂઆત માટે, સ્પષ્ટતા વ્યક્ત કરવા તથા ગાણિતિક સૌંદર્ય ઊભું કરવા માટે સ્થાપત્યમાં ભૂમિતિનો ઉપયોગ થતો રહ્યો છે. પ્રાચીન મંદિરોથી લઈ આધુનિક ઇમારતો સુધી બધે જ ભૂમિતિનો પ્રભાવ જોવાં મળે છે. ભૂમિતિ સ્થાપત્યને મજબૂત, અર્થપૂર્ણ, સુશોભિત, આકર્ષક તેમજ સંદર્ભિક બનાવે છે અને માનવીય કલ્પનાને દૃશ્યમાન રૂપ આપે છે.
સ્થાપત્યમાં વર્તુળ થકી પૂર્ણતા, કેન્દ્રીયતા, શાંતિ, ઐક્ય, ચક્રતા, સમરસતા, અનંતતા, સમાનતા, સૌમ્યતા તથા નરમાશ વ્યક્ત થઈ શકે. સ્થાપત્યમાં વર્તુળનો ત્રિપરિમાણીય આકાર એટલે ગુંબજ, ગોળો કે નળાકાર. બાંધકામની સામગ્રી જ્યારે લવચીક હોય કે નાના માપ વાળી હોય ત્યારે વર્તુળાકાર રચના સહેલી બને. સ્થાપત્યમાં વર્તુળના ઉપયોગથી સ્થાનની ઉપયોગિતા ઘટી શકે, રાચરચીલાની ગોઠવણના પ્રશ્નો પણ ઊભા થઈ શકે, પરંતુ તેની પ્રતિકાત્મક તેમજ મનોવૈજ્ઞાનિક અનુભૂતિ રસપ્રદ રહે.
વર્તુળાકાર બાંધકામ ધ્યાનાકર્ષક રહેવાથી સ્મારક તેમજ ધાર્મિક મકાનોમાં તેનો ઉપયોગ વધુ રહ્યો છે. મંદિરના રંગ મંડપ પરનો ગુંબજ હોય કે રોમના પેન્થીઅનનો વિશાળ ડોમ, પ્રવેશદ્વારની કમાન હોય કે રોમન અકવાડક્ટ, સ્થાપત્યમાં વર્તુળનો ઉપયોગ વિવિધ સ્વરૂપે જોવા મળે છે.
સ્થાપત્યમાં ચોરસના ઉપયોગ થકી સ્થિરતા, વ્યવસ્થા, સંતુલન, ઘોંઘાટ-હિનતા, મજબૂતાઈ, નિયમિતતા, સુરક્ષિત નિયંત્રણ તથા એક પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરાતો હોય છે. આ ચોરસનો ત્રિપરિમાણીય ઉપયોગ એટલે ઘન અથવા ઘનાકાર. સ્થાપત્યમાં ચોરસ અને લંબચોરસનો મહત્તમ ઉપયોગ રહ્યો છે; કારણ કે તેનાથી જે તે સ્થાનની ઉપયોગિતા અસરકારક બની શકે, બાંધકામ ઝડપી, સરળ અને મજબૂત થઈ શકે, વિવિધ સ્થાનની પરસ્પરની ગોઠવણમાં જગ્યાનો બગાડ ન થાય, ઉગ્ર વ્યક્તિગત પસંદ-નાપસંદની પરિસ્થિતિ ઊભી ન થાય અને એકંદરે સ્થાપત્ય સર્વસ્વીકૃત બની શકે.
આ ઉપરાંત ચોરસના ઉપયોગથી સરળ, સૌમ્ય પણ આકર્ષક સુંદરતા પણ ઉભરી શકે. વિશ્વના દરેક પ્રાંતમાં, સ્થાપત્યની દરેક શૈલીમાં ચોરસ-લંબચોરસનો ઉપયોગ કાયમ રહ્યો છે. તે ટેબલ હોય, ઓરડો હોય, આવાસ હોય કે નગર આયોજન, ચોરસ તથા લંબચોરસને દરેક પરિસ્થિતિમાં સ્થાન મળ્યું છે. રચના ભારવાહક હોય કે માળખાકીય હોય કે મિશ્રિત, તેની ઉપયોગિતામાં રહેલી વિવિધ પ્રકારની સંભાવનાને કારણે, સ્થાપત્યમાં આ આકાર ખૂબ ઉપયોગી સાબિત થયો છે.
અહીં એક 1:1.68 જેટલાં પ્રમાણમાપ વાળા ‘સુવર્ણ અનુપાત’ લંબચોરસનો ઉલ્લેખ જરૂરી છે. કુદરતની કેટલીક રચના માટે તેને આધાર ગણવામાં આવે છે. એમ કહેવાય છે કે તેની દૃશ્ય અનુભૂતિ ‘સુંદર’ હોય છે. પરંતુ આ વ્યક્તિગત ‘માન્યતા’નો વિષય છે. ઘણાંને આ સૌંદર્ય પ્રતિત નથી થતું. ગ્રીક સ્થાપત્યમાં કે રેનેસાં કાળની અન્ય કળામાં તેનો મહત્તમ ઉપયોગ થયો છે. આ સુવર્ણ અનુપાત લંબચોરસને આધારે સર્પાકાર સ્પાઇરલ પણ વિકસાવવામાં આવી છે.
સ્થાપત્યની રચનામાં જ્યારે ત્રિકોણનો ઉપયોગ થાય ત્યારે તેના થકી શક્તિ, ઊર્જા, ગતિશીલતા, ઉર્ધ્વગતિ, દૃઢતા, સ્થિરતા, મજબૂતાઈ, અચલતા, પ્રગતિ અને ક્યારેક આધ્યાત્મિકતા વ્યક્ત કરવાનો પ્રયત્ન થતો હોય છે. ત્રિકોણનો ત્રિપરિમાણીય ઉપયોગ એટલે પિરામિડ અથવા ત્રિકોણ આધાર પર રચાયેલો પ્રિઝમ. માળખાકીય દૃષ્ટિએ ત્રિકોણ સૌથી સ્થિર અને મજબૂત આકાર છે.
અહીં કોઈપણ પ્રકારના બાહ્યબળથી આકારમાં કોઈપણ પ્રકારની વિકૃતિ નથી આવતી. બાંધકામના માળખાકીય રચના માટે ત્રિકોણ એ સૌથી અસરકારક આકાર છે, પરંતુ તેની ઉપયોગિતામાં અગવડતા રહેલી છે. ત્રિકોણમાં ઊંચાઈ બિનજરૂરી વધતી હોય છે અને સાથે સાથે અનિચ્છનીય આંતરિક ખૂણા સ્થાપિત થતાં હોય છે. આનાં કારણે મકાનના આંતરિક સ્થાનની ઉપયોગિતામાં અનિચ્છનીય મર્યાદા ઊભી થતી હોય છે.
સ્થાનની ઉપયોગિતાની દ્રષ્ટિએ ત્રિકોણ નફાકારક આકાર નથી પરંતુ મજબૂતાઈની દૃષ્ટિએ તે ચોક્કસ ઈચ્છનીય પરિણામ આપી શકે. વળી ત્રિકોણ એ તીવ્ર આકાર હોવાથી કેટલાક લોકોને માનસિક રીતે તે ખૂંચે પણ ખરો. ઇજિપ્તના પિરામિડ હોય, ભારતીય મંદિરના શિખર હોય કે ફ્રાન્સના લુવ્રે મ્યુઝિયમના પ્રાંગણમાં બનાવાયેલ ઉમેરો હોય, ત્રિકોણે ઐતિહાસિક તેમજ આધુનિક સ્થાપત્યમાં સ્થાન મેળવ્યું છે.
મધપૂડાના નાના એકમ સમાન આકારનો ષટકોણ સ્થાપત્યમાં એક રીતે નાટકીયતા લાવે છે. કેન્દ્રસ્થાન સ્થાપિત કરીને જ્યારે છ ત્રિકોણને સંતુલિત રીતે સમમિતિયતામાં ગોઠવવામાં આવે ત્યારે ષટકોણ બને. સ્થાપત્યમાં જ્યારે ષટકોણ આકાર પ્રયોજાયો હોય ત્યારે વિસ્તૃત સમાનતા સ્થાપિત કરવાની ઈચ્છા તથા લગભગ કુદરતી કહી શકાય તેવાં આકાર પ્રત્યેનો લગાવ હોઈ શકે.
આમ તો ષટકોણ એટલે છ ત્રિકોણનો સમૂહ પરંતુ, સ્થાપત્યની દ્રષ્ટિએ, ત્રિકોણ અને ષટકોણમાં મૂળભૂત તફાવત એ છે કે ષટકોણમાં એ તીવ્રતા કે ઊર્જા નથી હોતી, જે ત્રિકોણમાં જોવાં મળે. સ્થાપત્ય માટે ષટકોણ સ્થિર, સંતુલિત, રસપ્રદ, સમાવેશીય, તટસ્થ તેમજ છ દિશાની સમાનતા સ્થાપિત કરતી ઘટના છે. ષટકોણનું ત્રિપરિમાણીય રૂપ એટલે છ પાસાવાળો પિરામિડ અથવા તે પ્રકારનો પ્રિઝમ. બાંધકામના માળખામાં આ ગોઠવણ રસપ્રદ તેમજ મજબૂત બની શકે.
ષટકોણની ઉપયોગિતામાં ત્રિકોણ જેવી મર્યાદા ન હોય અને સાથે સાથે ચોરસ જેટલી સ્વતંત્રતા પણ ન હોય. સ્થાપત્યમાં ષટકોણનો ઉપયોગ એટલે ચોરસ-લંબચોરસ અને ત્રિકોણની સારી તેમજ ઓછી સારી બાબતોની સ્વીકૃતિ. સ્થાપત્યમાં ષટકોણનો ઉપયોગ પ્લાન તરીકે તો થયો જ છે પરંતુ તેનાથી વધુ તેનો અસરકારક ઉપયોગ વિગતિકરણ, જાળી તેમજ ફરસ આયોજનમાં વધુ જોવા મળે છે.
આ ઉપરાંત સ્થાપત્યમાં વૃતખંડ તથા કમાનનો ઉપયોગ પણ થતો રહ્યો છે. આના થકી નરમાઈ, લવચીકતા, ગતિ, પ્રવાહીતતા, ઉર્જિત સુંદરતા તથા હળવાશ સ્થાપિત કરવાના પ્રયત્નો થતો હોય છે. જ્યારે સ્થાપત્યમાં ઈંડાકાર પ્રયોજાય ત્યારે પણ તેમાં લવચીકતા, પ્રવાહિતતા, નરમાશ જેવી અનુભૂતિ સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય. સર્પાકાર રચના થકી વૃદ્ધિ, વિકાસ, ઊર્જાનો પ્રવાહ, ઉન્નતી, રહસ્યમયતા જેવી ભાવના વ્યક્ત કરાય.
સ્થાપત્ય અને ભૌમિતિક આકાર વચ્ચેનું સમીકરણ ઉપયોગીતાનાં અનુસંધાનમાં, માળખાકીય રચના અનુસારનું, દૃશ્ય અનુભૂતિની વિશેષતા બાબતે, પરંપરાગત સાતત્યતાલક્ષી કે વ્યક્તિગત પસંદગીને આધારે હોઈ શકે. આને કારણે જ, સ્થાપત્યમાં ‘કુદરતી આકારો’નું જે મહત્ત્વ છે તેનાં કરતાં અનેક ગણું મહત્ત્વ ભૌમિતિક આકારોનું છે.